કચ્છ જીલ્લામાં ભચાઉ પાસે રવિવારે માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 10 સભ્યોના મોત થઈ ગયા. આ પરિવાર એક એસયૂવીમાં સવાર હતુ અને તેમની ગાડી બે ટ્રક વચ્ચે આવી ગઈ હતી. પોલીસે આ માહિતી આપતા જણાવ્યુ કે આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં અંદાજે 12 લોકો હતા. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજના જ્યેષ્ઠાનગર અને સંસ્કારનગરમાં રહેતા રમેશ ગીરધર કોટિયા (ધોબી) અને તેમના ભાઈ અશોક તથા દિનેશ જેઓ ત્રણેય ભાઈનો પરિવાર આજે બપોરે 3 વાગ્યાના અરસામાં ભુજથી ઈનોવા કાર ભાડે કરીને મોગલ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો,
ચીરઈ રોડ પર કાર પસાર થઈ રહી હતી, તેવામાં સેન્ચુરી પ્લાય પાસે અન્ય રોડ પર મીઠું ભરીને દોડી જતા ટ્રેઈલરના ટાયરમાં પંક્ચર થતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. જેથી વાહન ડિવાઈડર કુદી અન્ય રોડ પર આવી ગયું હતું અને ઈનોવા કાર પર પટકાયું હતુ. તેવામાં પાછળથી સિમેન્ટ ભરીને ગાંધીધામથી ભચાઉ તરફ જઈ રહેલું અન્ય એક ટ્રેઈલર કારના ઠાઠામાં ધડાકાભેર ભટકાતા બે મહાકાય ટ્રેઈલર વચ્ચે કારનો બુકડો બોલી ગયો હતો. તેવામાં કારમાં સવાર એક જ પરિવારના દસ સભ્યોના કમકમાટી ભર્યા મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. ઘટના બાદ આસપાસમાંથી લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગોઝારી ઘટનાની જાણ થતા ભચાઉ પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ચીરઈ નજીક કાળજું કંપાવી દેનાર અકસ્માતના બનાવમાં માસુમ બાળકો પણ હોવાની વાત વહેતી થતાં સનસનાટી મચી ગઈ હતી.