તીડનું આક્રમણઃ- ત્રણ ટીમોએ હવામાં દવા છંટકાવ કરી તીડોને મોતને ઘાટ ઉતાર્યા

મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (11:41 IST)
ખેડૂતોને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ સામે રવિવારે રાત્રે પાટણ તરફના રણથી પાકિસ્તાન તરફ નીકળેલા તીડના ટોળા નડાબેટના રણમાં આખી રાત રોકાયા હતા. સોમવારે બપોરે 2 વાગ્યા આસપાસ તીડના ટોળા જલોયા નડાબેટ વચ્ચેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તીડ નિયંત્રણ વિભાગની ત્રણ ટીમોએ હવામાં દવા છંટકાવ કરી અસંખ્ય તીડોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ તીડના ટોળાએ નડાબેટના રણમાં ધામા નાખ્યા હતા. ઉપરાંત મેઘપુરા ગૌચર, નડાબેટ રોડ અને મંદિર પાછળ તીડના ટોળા પર તીડ બેસતા રાત્રીના સમયે અથવા મંગળવારે વહેલી સવારે દવા છંટકાવ કામગીરી કરાશે.
કૃષિમંત્રી આર.સી.ફળદુએ રવિવારે સાંજે વાવ, સુઇગામ તાલુકાની મુલાકાત લઇ જણાવ્યું કે "તીડોએ એરંડા, જીરું રવીસીઝનને નુકશાન કર્યું છે. 12 થી 15 ગામોને અસર છે. સરકાર ખેડૂતોની પડખે છે. મુખ્યમંત્રીએ પણ જે કરવું પડે તે કરીશું તેમ કહ્યું હતું.’ વાવ . સરપંચ સંગઠનના પ્રમુખ વી.કે.રાજપુતે CMને વળતર આપવા માંગ કરી છે.તીડ આંતરરાષ્ટ્રીય જીવાત છે. જેના કંટ્રોલ માટે દેશની સરકાર ખુબ ગંભીર છે. વરસો પહેલા જોધપુરમાં તીડની કચેરી અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી. હાલમાં દેશની મુખ્ય કચેરી હરિયાણાના ફરીદાબાદમાં કાર્યરત છે. અગાઉ જુલાઈમાં તીડ આવતા ફરીદબાદથી અધિકારીઓની ટીમ તપાસ માટે આવી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર