નર્મદા ડેમમાં 2016 કરતા 2017માં પાણીનો વધુ જથ્થો સંગ્રહ થયો હતો તો આખરે પાણી ક્યાં ગયું?
શુક્રવાર, 9 માર્ચ 2018 (13:09 IST)
નર્મદા ડેમમાં પાણીની આવક ૨૦૧૬ કરતા ૨૦૧૭ના વર્ષમાં ઓછી થઇ છે તેના કારણે સંગ્રહ ઓછો થયો છે જેથી પાણીની કટોકટી સર્જાઇ છે તેવો દાવો રાજય સરકાર અને વહીવટી તંત્ર કરી રહ્યું છે તે જુઠ્ઠાણું હોય તેવો પર્દાફાશ વિધાનસભામાં નર્મદા વિભાગ દ્વારા જ અપાયેલી માહિતીમાં થવા પામ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં નર્મદા વિભાગ દ્વારા અપાયેલા જવાબમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ૨૦૧૬ના વર્ષમાં ૫૨,૧૮૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો હતો જયારે ૨૦૧૭ના વર્ષમાં ૬૩,૧૭૨ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહ થવા પામ્યો છે.
વિધાનસભામાં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે નર્મદા ડેમમાં છેલ્લા બે વર્ષમાં દરેક મહિના મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો તેવો સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય તેમ છે. તેમાં ૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં મળેલા પાણીના જથ્થાની સરખામણી કરાય તો ૧૦,૯૯૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો વધુ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જાન્યુઆરી ૨૦૧૮માં પણ ડેમમાં ૩૯૧૬ એમસીએમ પાણીનો જથ્થો સંગ્રહિત થયો હોવાનું જણાવાયું છે.
સરકાર અને વહીવટી તંત્ર દ્વારા નર્મદા ડેમને ઓછુ પાણી મળ્યું, ઉપરવાસમાં ઓછો વરસાદ અને ઝરણાની પાણીની આવકમાં ૧૦ ટકાનો ઘટાડો વિગેરે કારણો નર્મદા ડેમમાં પાણીનો ઓછો જથ્થો સંગ્રહ હોવાના અગાઉ અપાયા છે. પરંતુ તેની સામે નર્મદા ડેમમાં ગેટ બંધ કરવાના કારણે ૧૨૧.૯૨ મીટર ઉંચાઇથી વધુ ૯ મીટર પાણીનો જથ્થો એકઠો થયો હતો તે ક્યાં ગયો તેનો જવાબ તંત્ર આપી શકયું નથી. સરકાર સામે ચૂંટણી પહેલા સૌની યોજના અને રિવર ફ્રન્ટ વિગેરેમાં આડેધડ પાણી આપી દેવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ થતા રહ્યા છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પણ ડેમમાં સંગ્રહિત પાણીનો ક્યાં અને કેટલો વપરાશ કરાયો તેનો હિસાબ આપવા માગણી કરાઇ છે તે પણ નિગમ હજુ સુધી આપી શક્યું નથી. વહીવટી તંત્રએ ૨૨ જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘આ વખતે પાણીની આવક સૌથી ઓછી રહી છે’ સરદાર સરોવર નર્મદા નિગમ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ૨૨ જાન્યુઆરીએ એવી જાહેરાત કરી હતી કે, છેલ્લા ૧૩ વર્ષમાં આ વખતે જ પાણીની સૌથી વધુ ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. નર્મદા ડેમમાં હવે માત્ર ૧૪.૬૬ મિલિયન એકર ફૂટ વાપરવા લાયક પાણીનો જથ્થો બચ્યો છે. છેલ્લા ૧૫ વર્ષમાં નદીના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો થતા પાણીની સૌથી ઓછી આવક રહી છે. જેને પરિણામે ગુજરાતને મળતા વાર્ષિક ૯ મિલિયન એકર ફૂટ પાણીનાં બદલે ૪૫ ટકા ઓછું એટલે કે ૪.૭૧ મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયું છે. જંગલોમાંથી ઝરણાઓ દ્વારા તથા ભૂગર્ભ પ્રવાહથી ૧૦ ટકા પાણી મળવાનું અંદાજાયું હતું. પણ તેમાં પણ ઘટાડો થયો છે.