ફરી ચાલ્યુ ગુજરાતમાં નર્મદાના નામનું રાજકારણ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓના એકબીજા પર આરોપો
બુધવાર, 4 એપ્રિલ 2018 (16:44 IST)
ગુજરાતના રાજકારણમાં ફરીથી નર્મદાનો મુદ્દો પ્રવેશતાં નેતાઓ વચ્ચે ગરમાવો પ્રસર્યો છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રાજીવ સાતવે એક વર્ષ પહેલા નર્મદા મુદ્દે મેઘા પાટકરને સમર્થન આપતી ટ્વિટ કરી હતી. જેનો વિરોધ વધતા રાજીવ સાતવે આ ટ્વિટ ડિલીટ પણ કરી હતી. આ વાત એક વર્ષે ખુલીને બહાર આવી છે, અને આ મુદ્દે નવુ રાજકારણ શરૂ થયું છે. મેઘા પાટકરના સમર્થનમાં TWEET બાદ રાજીવ સાતવ ભાજપના નિશાને આવ્યા છે. આ મામલે પરેશ ધાનાણીએ આ મામલે નિવેદન આપતા મેઘા પાટકરની તરફેણ કરી હતી, તો બીજી તરફ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ નિવેદનથી ગુજરાતની માનસિકતા છતી થતી હોવાની વાત કરી છે. નર્મદા મુદ્દે CM રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મેઘા પાટકરના કારણે નર્મદા યોજનામાં વિલંબ થયો છે અને તેને કારણે ગુજરાતની પ્રજાને સહન કરવું પડ્યું હતું. કોંગ્રેસ અને મેધા પાટકરની સાંઠગાંઠ હવે ખુલ્લી પડી છે.
ગુજરાત વિરોધી મેઘા પાટકરને સમર્થન અને તેની વાહવાહી કરે તે બતાવે છે કે ભૂતકાળમાં નર્મદા યોજના ન બને એ કોંગ્રેસ પણ ઈચ્છતી હતી, અને કોંગ્રેસને ગુજરાતનું હિત ગમતું ન હતું. નર્મદા વિવાદ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની કરણી અને કથનીમાં તફાવત છે. બીજેપી સરકારની નીતિ ચોરી પર સીનાજોરી જેવી છે. નર્મદા યોજનાને આગળ ધપાવવા કરતા નર્મદાના નામે રાજકીય રોટલા શેકવામાં આવ્યા છે. જેનું પરિણામ એ છે કે, આજે ગુજરાતનો ખેડૂત પોતાના ખેતર સુધી નર્મદાનું પાણી મેળવી શક્યો નથી. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી હોવાથી તે કોંગ્રેસે ક્યારેય તેમાં રાજકારણને સ્થાન આપ્યું નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નર્મદા મુ્દ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, વિસ્થાપિતોના નામે કોંગ્રેસ રાજકારણ રમી રહી છે. કોંગ્રેસ રાજ્યની જનતાને છેતરવા નીકળી છે. PM મોદીએ યોજના પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા છે. PM બન્યાને 17માં દિવસે ડેમના દરવાજાની મંજૂરી પીએમ મોદીએ આપી હતી. બંધના દરવાજા બંધ ના થાય તે કોંગ્રેસનું ષડયંત્ર હતું. મોદી સરકારને જશ ના મળે તેનું ષડયંત્ર છે.