મ્યુકોરની સારવારમાં વધુ એક સિદ્ધિ : દર્દીને બેભાન કર્યા વગર સાડા ત્રણ કલાકની મેરેથોન શસ્ત્રક્રિયા કરી

બુધવાર, 7 જુલાઈ 2021 (10:45 IST)
મ્યુકોર માયકોસીસની સારવારમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ,ગોત્રીના ઇ.એન.ટી.વિભાગે દર્દીને લાભદાયક હોય એવી નવીન પહેલો કરી છે.અગાઉ ફૂગગ્રસ્ત ના થયો હોય એવા આંખના ડોળાને સલામત રાખીને તેની પાછળના ભાગેથી માઇક્રોડીબ્રાઇડરની મદદથી ફૂગની સફાઈ કરવામાં આવી હતી અને ચહેરાની સુંદરતા અકબંધ રાખી દર્દીને માનસિક તણાવમાંથી બચાવવાની સર્જરી કરવામાં આવી હતી.
હાલમાં મ્યુકોરના કેસિસ ઓછા થતાં લાળગ્રંથિની પથરી કાઢવાની,ગુજરાતના અન્ય કોઈ દવાખાનામાં થતી નથી એવી સર્જરી આ વિભાગમાં કરવામાં આવી. તેના પછી એક આગવી પહેલના રૂપમાં આ સરકારી દવાખાનામાં તાજેતરમાં કિડનીની પથરી ધરાવતા એક મ્યુકોરના દર્દીને આખેઆખો બેભાન કરવો શક્ય ન હોવાથી ફક્ત નાકના ભાગને બહેરો કરીને,દર્દીની સભાન અવસ્થામાં લગભગ સાડા ત્રણ કલાકની મેરેથોન સર્જરી ડો.હિરેન સોની અને સાથીઓની ટીમે કરીને,સરકારી દવાખાનાઓમાં થતાં તબીબી ચમત્કારોમાં એક ચમત્કારનો ઉમેરો કર્યો હતો.
 
દર્દીની સભાન અવસ્થામાં વધુમાં વધુ બે કલાકની શસ્ત્રક્રિયા કરી છે એવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે,નાક કે પગની આવી શસ્ત્રક્રિયામાં દર્દી એ જોઈ શકતો નથી એટલે ખાસ વાંધો આવતો નથી.
 
પરંતુ આ કેસમાં નાકમાંથી મગજની નીચેનો ભાગ,આંખની પાછળનો ભાગ,સાયનોસિસ જેવી જગ્યાઓમાંથી ફૂગની સફાઈ હાડકી કાપીને કરવાની હતી તેવી જાણકારી આપતાં ડો.સોનીએ જણાવ્યું કે,દર્દીની કિડનીમાં પથરીને લીધે ક્રિએટ માત્ર ત્રણ જેટલું રહેતું હોવાથી જનરલ એનેસ્થીસિયા આપવો શક્ય ન હતો.
 
વધુમાં,આ દર્દીને ઇન્જેક્શન દ્વારા લોકલ એનેસ્થેસીયા આપવામાં પણ જોખમ હતું. આ સંજોગોમાં નાકનો ભાગ પૂમડાંથી દવા લગાડી, બહેરો કરીને આ સર્જરી કરવામાં આવી.સર્જરી પહેલા દર્દીને પૂરી સમજણ આપવામાં આવી હતી. દર્દી નાકના ભાગેથી થઈ રહેલી સર્જરી તે નરી આંખે જોઇ શકતો હતો એવા સંજોગોમાં આ પ્રોસિજર કરવામાં આવી જેમાં દર્દીના આત્મવિશ્વાસ અને હિંમતને પણ દાદ આપવી પડે.
 
એટલું જ નહિ આ સર્જરી પછી એક વીસ દિવસ સુધી ખાસ મોનીટરીંગ હેઠળ દર્દીને એમ્ફોટરેસીન બી અને લાયપોઝોમલ જેવી નેફ્રોટોકસિક દવાઓ ખૂબ જ કાળજીપૂર્વક આપીને તેને સાજો કરવામાં આવ્યો.
 
આ સર્જરી એ ગોત્રીના સરકાર સંચાલિત દવાખાનાની તબીબી જ્ઞાન અને કુશળતાનો સમન્વય કરીને દર્દીઓને રાહત આપવાની સાફલ્ય ગાથાઓમાં એકનો ઉમેરો કર્યો છે.તેના માટે ડો.સોની અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર