કોર્પોરેશનની કડક કાર્યવાહી: સિંધુભવન રોડ, વસ્ત્રાપુર લેક આસપાસના ફાસ્ટફૂડ સેન્ટરો વિરૂદ્દ કાર્યવાહી

સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (11:20 IST)
અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે તેમછતાં લોકો માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં ફરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રવિવારે મોડી રાતે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેઈકની પાસે આવેલા આલ્ફાવન મોલની સામેની ગલીમાંના 21 જેટલા દબાણો દુર કર્યા છે.શહેરના સિંધુ ભવન રોડ પર  ચાર ફાસ્ટફૂડ યુનિટો સીલ કરવામાં આવ્યા છે.
 
ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણની આગેવાનીમાં મ્યુનિ.ની સોલિડ વેસ્ટની ટીમ વસ્ત્રાપુર લેક આસપાસના ચાલી રહેલા લારી-ગલ્લા અને ફૂડ કોર્ટ પર ત્રાટકી હતી અને 21થી વધુ લારી-ગલ્લાઓ જપ્ત કરી દબાણની ગાડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.સિંધુભવન રોડ પર ધમધમતા દેવરાજ ફાર્મ,બિસ્મિલ્લા ફાસ્ટફૂડ,ધ પુટનીર અને એસબીઆરને મ્યુનિ.દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરી દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
 
રવિવારે AMC દ્વારા નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર અને IIM રોડ પર ડેનિસ કોફીબાર સીલ કરવામાં આવ્યું હતું. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી છે.  મહત્વનું છે કે, 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
 
રવિવારે મ્યુનિ.ની ટીમો દ્વારા મોડી રાતે શરૂ કરવામાં આવેલી કામગીરી દરમિયાન ગોતામાં આવેલી હોટલ પંજાબ માલવા અને સિંધુ ભવન રોડ પર ગ્રેસ કાફેને પણ સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
 
તો બીજી તરફ સ્ટોલ માલિક દ્વારા કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરાતું હોવા છતાં કનડગત થતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહીથી કારીગરો અને કર્મચારીઓના ગુજરાન ચાલતા અટકી પડે છે. થોડા દિવસ અગાઉ કરવામાં આવેલી દંડનિય કાર્યવાહીથી એએમસી સામે સવાલો ઉઠ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર