ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું.
રાહત કમિશનરશ્રી પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૫.૯૪ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૦.૯૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.