કોરોના બાદના લોકડાઉનની અસર દાંમ્પત્યજીવન પર પડી છે. પડી ભાંગેલા ધંધા-રોજગાર અને નોકરીઓ છૂટી જવાની ગંભીર અસર પતિ-પત્નીના સંબંધો પર પણ પડી છે. કોરોનામાં સામાજિક દૂરી જરૂરી છે પણ સંબંધોમાં પણ સોશિયલ ડીસ્ટન્સીંગના કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ, રાજ્યના ચાર મહાનગરોમાં જ 5 હજારથી વધારે છૂટાછેડાના કેસ દાખલ થયા છે.
અમદાવાદ શહેરની ફેમિલી કોર્ટમાં 2500થી વધુ છૂટાછેડાના કેસ દાખલ થયા છે.આ સિવાય બાળકની કસ્ટડી, ગાર્ડિયન, ભરણપોષણ, વચગાળાની રાહત સહિતના 11430 કેસ પેન્ડિગ છે. સુરત શહેરમાં કોરોનામાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 952 કેસ આવ્યા છે. વર્ષ 2020માં વડોદરાની કોર્ટમાં છુટાછેડા માટેના અંદાજે 650 કેસ દાખલ થયા હતા.વર્ષ 2021માં 19 જુલાઇ સુધીમાં કોર્ટમાં છુટાછેડા માટેના 729 કેસ દાખલ થયા છે. રાજકોટમાં 2020ની પહેલી એપ્રિલથી 21 જુલાઇ 2021 સુધી છુટાછેડાની કુલ 406 અરજી આવી હતી જેમાં જેમાં 232 અરજીનો હુકમ થી અને 29 અરજી નો સમાધાનથી નિકાલ કરાયો છે. ભરણપોષણ માટે 949 અરજી આવી હતી.આર્થિક સંકળામણ, સ્ટ્રેસ અને નાની-નાની વાતના ઝઘડાં લગ્નો ભાંગે છે. લૉકડાઉનમાં બહાર જઇ શકાય એવી સ્થિતિ ન હતી ત્યારે પતિ અને પત્ની સતત ઘરમાં હતા. જેથી નાની-નાની વાતોમાં તકરાર થતી હતી. અમદાવાદ નોટરી એસો. પ્રમુખ પ્રવીણ સોલંકીએ કહ્યું કે, શહેરમાં 500 જેટલા નોટરી છે. નોટરી પાસે કસ્ટમરી ડાયવોર્સ કરાર કરાય છે. અમુક સમાજમાં સામાજિક રીત-રીવાજ મુજબ નોટરી પાસે રૂ.300 ના સ્ટેમ્પ પેપર પર પણ છૂટાછેડાનો કરાર કરવામાં આવે છે. અમદાવાદમાં નોટરી પાસે અંદાજે મહિને 500થી વધુ છૂટાછેડાના કરાર થતા હોય છે. સુરતમાં લોકડાઉન-1 કરતાં લોકડાઉન-2માં સુરત કોર્ટમાં 150 કેસ વધુ આવ્યા છે. પહેલાં લોકડાઉનમાં જ્યા 400 કેસ આવ્યા હતા ત્યાં બીજા લોકડાઉન કે જે એક રીતે આંશિક હતો તેમાં 550 જેટલાં કેસ સામે આવ્યા હતા.