રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સાથે ગુજરાતનાં શહેરોમાં 400થી વધુ શિશુનો જન્મ થયો

મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (12:44 IST)
More than 400 babies were born in the cities of Gujarat
 






- સોમવારે શુભ મુહૂર્ત દરમિયાન 400થી વધુ બાળકોના જન્મ 
- મોટી સંખ્યામાં બાળકોને પ્રભુ શ્રીરામ અને સીતા માતાના નામ અપાયાં
- મુસ્લિમ પરિવારે પોતાના નવજાત પુત્રને રામરહીમ નામ આપ્યું


શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં મોટી સંખ્યામાં માતા-પિતાએ ડૉક્ટર્સની સલાહના આધારે સોમવારે શુભ મુહૂર્ત દરમિયાન બાળકોની ડિલિવરી કરાવી હતી. ગુજરાતમાં જ્યાં વિવિધ શહેરોમાં 400થી વધુ બાળકોના જન્મ થયાં હતાં. મોટી સંખ્યામાં બાળકોને પ્રભુ શ્રીરામ અને સીતા માતાના નામ અપાયાં હતાં. જ્યારે યુપીના ફિરોઝાબાદમાં મુસ્લિમ પરિવારે પોતાના નવજાત પુત્રને રામરહીમ નામ આપ્યું હતું.

ગુજરાતની વાત કરીએ તો દાહોદની પડવાલ હોસ્પિટલમાં 6 બાળકની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી તો ખાનગી દવાખાનામાં કુલ 43 બાળકનો જન્મ થયો હતો.વડનગરની સિવિલ હૉસ્પિટલમાં 11 બાળકોનો જન્મ થયો હતો. જેમાં એક શિશુનો જન્મ બરાબર 12.30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા શુભ મુહૂર્ત વખતે થયો હતો. 11 પૈકી 3 સિઝેરિયન અને 8 નોર્મલ પ્રસૂતિ થઈ હતી. પાટણની અગ્રવાલ હૉસ્પિટલના ડૉ.અતુલે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં શિશુનો જન્મ થતા જાણે શ્રીરામ આવ્યા હોય એવો આનંદ રેલાયો હતો.

સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયાએ જણાવ્યું કે જિલ્લામાં 49 પીએચસી,13 સીએચસી અને 02 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત સરકારી દવાખાનાઓમાં 22 જાન્યુઆરીએ 27 બાળકોની ઈડીબી એક્સપેક્ટેડ ડેટ ઓફ બર્થ-અપેક્ષિત જન્મ માટે તારીખ આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લાની 29 પ્રસૂતાઓએ બાળકોને જન્મ આપ્યો છે. આ ઉપરાંત નડિયાદ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના શહેરોમાં પણ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને બાળકોની ડિલિવરી થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર