મચ્છુ માતાજીના મંદિરેથી કાંઠા સુધીની રથયાત્રા યોજાઈ
મોરબીમાં દર વર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે. આજે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના જુદા-જુદા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. શહેરના માર્ગો ઉપર રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો.
શું છે રથયાત્રા પાછળની લોકવાયકા?
ભરવાડ સમાજના આગેવાન ગોકળભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, આ રથયાત્રા યોજવા પાછળ એવી લોકવાયકા છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી. જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું. ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી. જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો. દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે આ રથયાત્રા નીકળી ન હતી પરંતુ આ વર્ષે રથયાત્રા યોજવામાં આવતાં અંદાજે 35થી 40 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રસ ગરબાની રમઝટ સાથે મચ્છુ માતાજીના મંદિરેથી કાંઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી.