છેલ્લા 24 કલાકમાં માત્ર બે તાલુકામાં વરસાદ નોંધાયો,રાજ્યમાં કુલ 4.80 ઈંચ વરસાદ

બુધવાર, 7 જુલાઈ 2021 (11:07 IST)
રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં 
ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.80 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે 1991થી 
2020 સુધીમાં ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ 33 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. વરસાદ 
ખેંચાતા સિંચાઈ માટે સરકાર આજથી ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપશે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદાના સાગબારામાં 4 મી.મી. દાહોદના ઝાલોદમાં 3 મી.મી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે.રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે એ માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. આજથી ખેડૂતોને 8ને બદલે હવે 10 કલાક વીજળી મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર