ગુજરાતના દરેક મતદાન મથકે મોદીની મન કી બાતનો કાર્યક્રમ સંભળાવાશે
બુધવાર, 9 મે 2018 (15:53 IST)
ગુજરાતમાં ભાજપના તમામ આગેવાનોને દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો ઉપર પ્રસારિત થતા વડા પ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમને રાજયમાં દરેકે દરેક મતદાન મથકે લોકાને સંભળાવવા માટે આયોજન કરવાનો આદેશ અપયો છે. વડા પ્રધાન મોદીએ વ્યકત કરેલી ઈચ્છાના અનુસંધાનમાં મંગળવારે કોબા ખાતે ભાજપની પ્રદેશ કક્ષાની ઉચ્ચ બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન પ્રદેશના ઉચ્ચ હોદ્દેદારો તરફથી દરેકને આ સૂચના આપાવમાં આવી હતી. સૂત્રો કહે છે કે, આ સૂચનાનું ૨૭મી મેના રવિવારે પ્રસારણ થનારા 'મન કી બાત' કાર્યક્રમથી જ પાલન કરવાનું છે.
આ ઉપરાંત સાંસદો-ધારાસભ્યો-જિલ્લા-તાલુકા-વોર્ડના પ્રમુખો સંકલન કરીને દરેક મતદાન મથકે લોકોને સંભળાવવા આયોજન કરશે તેમ જણાવાઈ રહ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત ભાજપના ધારાસભ્યો-સાંસદો-આગેવાનો હાજર રહ્યાં હતાં. પ્રદેશ ભાજપની બેઠકને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે એટલે મનફાવે તેવો બકવાસ કર્યા કરે છે. જળ અભિયાનમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે. હવે તેને કોણ સમજાવે કે આખી વ્યવસ્થા લોકભાગીદારીથી થાય છે. આ અભિયાન એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું મહાઅભિયાન છે. ગામેગામ અનેક ગુજરાતીઓ ૪૪-૪૫ ડિગ્રીમાં સેવાયજ્ઞા કરે છે. ત્યારે કોંગ્રેસને ફકત રાજકીય આક્ષેપો અને જુઠ્ઠાણા જ સુઝે છે. ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડયો છે. ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ શરૂ કર્યાનું પણ તેમણે ઉમેર્યુ હતુ.