કેદારનાથ યાત્રા હિમવર્ષાના લીધે સ્થગિત: 2,000થી વધુ ગુજરાતીઓ ફસાયા,

બુધવાર, 9 મે 2018 (13:23 IST)
કેદારનાથામાં ભારે હિમવર્ષા થઇ છે. બદ્રીનાથમાં પણ સતત ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે. હિમવર્ષાના લીધે ઘણા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ 2 હજારથી વધુ ગુજરાતીઓ યાત્રામાં ફસાયા છે. ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી માંગી છે. ઉત્તરાખંડ સરકાર પાસેથી પણ માહિતી મગાઈ છે. બીજી તરફ સોમવારે સાંજે અને મંગળવારે બે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 2 હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ગઇકાલે પણ કેદારનાથ ધામમાં હિમવર્ષા થઇ હતી. ચારધામ સહિત ગઢવાલ મંડળ સાથે કુમાઉના કેટલાક વિસ્તારો અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. હેમકુંડમાં પણ હિમવર્ષાના લીધે યાત્રાની તૈયારીઓનું કામ ઠપ્પ થઇ રહ્યું છે.  

ઉનાળુ વેકેશન માણવા ગયેલાં ગુજરાતી ટુરિસ્ટો અત્યારે હિમાચલ પ્રદશ અને કાશ્મીરમાં ખરાબ હવામાનનો ભોગ બન્યાં છે. સિમલા,મનાલી અને ડેલહાઉસીમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત કરાં પણ પડયા છે. ભરઉનાળે શિયાળા જેવો માહોલ સર્જાયો છે. ખરાબ હવામાનને લીધે ટુરિસ્ટો સાઇટશીન પર જઇ શક્યાં નથી.મોટાભાગના ટુરિસ્ટોએ હોટલમાં પુરાઇ રહેવુ પડયુ છે. મનાલીમાં નગરોડ પર લેન્ડસ્લાઇડ થતા રસ્તા બંધ છે જેથી વધુ મુશ્કેલી સર્જાઇ છે. કાશ્મીરમાં વરસાદી માહોલને લીધે ટુરિસ્ટોની મજા બગડી છે. ભારે હિમવર્ષાને લીધે ચારધામ યાત્રા અટકાવી દેવાઇ છે. ટુર ઓપરેટરોનું કહેવુ છેકે, લગભગ બે હજાર ગુજરાતી શ્રધ્ધાળુઓ હાલમાં ચારધામ યાત્રાએ ગયા છે જેમાં એકાદ હજાર યાત્રાળુઓ બદરીનાથ -કેદારનાથમાં છે.  યાત્રા અટકાવાતાં ગુજરાતી યાત્રાળુઓ અત્યારે સહીસલામત સ્થળે રોકાયા છે. હેલિકોપ્ટર ઉડી શકે તેવુ વાતાવરણ નથી પરિણામે યાત્રાળુઓને નીચેના સ્થળે લાવી શકાય તેવી સ્થિતી નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર