સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબક્યો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. વરસાદથી તળાવો પણ છલકાઈ ગયા હતાં. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે નાયકા ડેમના 20 દરવાજા ખોલાયા હતા, જ્યારે શહેરના બંન્ને પુલ બંધ કરી દેવામાં આવ્યા હતાં.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના કારણે બે લોકો ફસાયા હતાં. આ બે લોકોને બચાવવા માટે ગાંધીનગરથી NDRFની ટીમ રવાના થઈ છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. લખતર નજીક દેદાદ્વારા પાટીયા પાસે નવો પુલ બનાવવામાં આવ્યો હતો જે ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. પુલ તૂટતા જ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
જ્યારે ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ પડતાં નવ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતાં. જ્યારે નાયકા ડેમના દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને સર્તક કરી દેવામાં આવ્યા હતાં.