ચૂંટણી ટાણે જ મોદી ગુજરાતને ૪ લાખ કરોડના પ્રોજેકટોની લોલીપોપ આપશે

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (13:43 IST)
વડાપ્રધાન મોદીનું હાલનું કેન્દ્ર પોતાનું ગૃહ રાજય ગુજરાત છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા પીએમ ગુજરાતને એક પછી એક અનેક ગિફટ આપવાના છે. નક્કી કરેલા કાર્યક્રમો અનુસાર પીએમ મોદી આગામી ૩૦ દિવસમાં ગુજરાતનો ત્રણ વખત પ્રવાસ કરવાના છે. આ દરમિયાન ગુજરાતને ૪ લાખ કરોડથી વધુના પ્રોજેકટની ગિફટ આપશે. ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણીની જાહેરાત થતાં રાજયમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યાર બાદ કોઈ નવી જાહેરાત નહીં થઈ શકે. ગુજરાતને ગિફટ આપવાની શરૂઆત પીએમ મોદી આગામી સપ્તાહથી શરૂ કરશે. તેઓ જાપાનના પીએમ શિંઝો આબે સાથે ૧૨ સપ્ટેમ્બરે બે દિવસના પ્રવાસ માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ પોતાના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેનનું ખાતમુર્હત કરશે. જે મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલશે. હાલમાં આ પ્રોજેકટ ૧ લાખ કરોડનો છે જેમાં જાપાન પણ રોકાણ કરશે.  આ પ્રવાસ બાદ પીએમ મોદી ચાર દિવસ બાદ ફરી ૧૭ સપ્ટેમ્બર ગુજરાતના પ્રવાસે આવશે. આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. આ દિવસે તેઓ સરદાર સરોવર બંધ પ્રોજેકટની આધારશિલા રાખશે. આ લગભગ ૫૦ હજાર કરોડનો પ્રોજેકટ છે. તથા આ દિવસે જ તેઓ ૫૦ હજાર કરોડના બીજા વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરશે. ત્યાર બાદ ૨જી ઓકટોબર ગાંધી જયંતીના રોજ પીએમ પોરબંદરમાં એક જનસભાને સંબોધિત કરશે. તે દિવસે તેઓ રાજયમાં લગભગ ૧ લાખ કરોડ રૂપિયાના પ્રોજેકટનું ખાતમૂર્હત કરશે. સૂત્રો મુજબ ત્રીજા પ્રવાસમાં લગભગ ૪ લાખ કરોડ રૂપિયાના વિકાસકામોની જાહેરાત કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર