વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે, 17મીએ અમદાવાદ અને સાબરકાંઠાની મુલાકાત લેશે

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:35 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પ્રધાનોના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા બાદ હવે ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી આગામી તા. ૧૭મી જાન્યુઆરીએ ઇઝરાયલના વડા પ્રધાન સાથે અમદાવાદ અને સાબરકાંઠાની મુલાકાતે આવશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે ગુજરાત આવવાના કાર્યક્રમમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.

તેઓ ઉત્તરાયણ ઉપર આવવાની શક્યતા ધૂંધળી બની છે. હવે તેઓ ૧૭મી જાન્યુઆરીને બુધવારે થોડા કલાકો માટે આવે તે મુજબ કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. વડા પ્રધાન મોદી ઈઝરાયલના વડા પ્રધાન સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના વડરાડ ગામે સ્થપાયેલા શાકભાજીના સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લેવાના છે. લગભગ ૧૦ હેક્ટરમાં પથરાયેલા આ નવા સ્થપાયેલા સેન્ટરમાં હાઈટેક નર્સરી વિકસાવાઈ છે તથા નેટહાઉસ, ગ્રીન હાઉસ પદ્ધતિથી શાકભાજીમાં પાણીના ઓછામાં ઓછા ઉપયોગથી ત્રણે ઋતુમાં કઈ રીતે મહત્તમ ઉત્પાદન લઈ શકાય તેની તાલીમ ખેડૂતોને અપાય છે. પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા મલ્ચિંગ ટેકનોલોજીથી શાકભાજીનું ઉત્પાદન વધારવાની પદ્ધતિ પણ અહીં વિકસાવાઈ છે. આવું જ એક બીજું સેન્ટર ખારેકની ખેતી માટે કચ્છમાં ભુજ તાલુકાના હુકમા ગામે ઊભું થયું છે, જેનું ઉદ્ઘાટન પણ ઈઝરાયલના વડા પ્રધાન નેતાન્યાહુ રિમોટ કંટ્રોલથી કરશે. આપણે ત્યાં કચ્છમાં લીલી ખારેકનું વિપુલ ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ આ ખારેકને સૂકી ખારેકમાં ક્ધવર્ટ કરવાની ટેકનોલોજી આપણી પાસે નથી. ઈઝરાયલ પાસેથી ટેકનોલોજી મેળવવા માટે આ મુલાકાત ટાણે કરાર થવાના છે. નવા ઉદ્યોગ સાહસિકોને નવતર ક્ષેત્રોમાં રિસર્ચ અને સંશોધન માટે મદદરૂપ થવા સાણંદ નજીક આઈ-ક્રિયેટ સંસ્થા ગુજરાત સરકારે ઊભી કરેલી છે. આ આઈ-ક્રિયેટ સેન્ટરની મુલાકાત પણ ઈઝરાયલી વડા પ્રધાન માટે ગોઠવાઈ રહી છે. અગાઉ ઈઝરાયલના વડા પ્રધાન ૧૪મી જાન્યુઆરીના દિવસે આવવાના હતાં, મોદી વડા પ્રધાન બન્યા પછી પહેલાં ચીનના રાષ્ટ્રપ્રમુખ જિન્પિંગ ત્યાર બાદ જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે તથા તેમની પત્ની સાથે ગુજરાતની મુલાકાત યોજાઈ ચૂકી છે, હવે આ ત્રીજા વિશિષ્ટ મહાનુભાવની મુલાકાત સફળ બનાવવાના આયોજનમાં ગુજરાત સરકારનું તંત્ર લાગ્યું છે. અગાઉ બે દિવસની મુલાકાતનું આયોજન હતું તે હવે થોડા કલાકોના રોકાણમાં ફેરવાયું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર