ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન- વાયુ વાવાઝોડાની સ્થિતીની સર્વગ્રાહી સમિક્ષા

શુક્રવાર, 14 જૂન 2019 (10:33 IST)
ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ગુરૂવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જિલ્લાઓમાં સંભવિત વાયુ વાવાઝોડાની સ્થિતીની સર્વગ્રાહી સમિક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠક બાદ જણાવ્યું કે ગુજરાત પર જે વાયુ વાવાઝોડું ત્રાટકવાનું હતું તે ભગવાન સોમનાથ, દ્વારકાધિશ-કૃષ્ણ અને હરસિધ્ધ માતાની કૃપાથી સદનસીબે ફંટાઇ ગયું છે.
વિજય રૂપાણીએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે અત્યારે રાષ્ટ્રીય હવામાન ખાતાના બૂલેટીનના આધારે એવું માનવામાં આવે છે કે આ સંભવિત વાયુ વાવાઝોડુ સીધું ગુજરાત પર ત્રાટકવાને બદલે દરિયામાં ઓમાન તરફ ફંટાઇ ગયું છે. આમ છતાં હજુ ર૪ કલાક ગુજરાતમાં તંત્રને હાઇ એલર્ટ પર સર્તક રાખવામાં આવ્યું છે. 
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સહિત મુખ્ય સચિવ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવોની યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકની વધુ વિગતો પ્રચાર માધ્યમોને આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જિલ્લાઓમાં આવતીકાલ શુક્રવાર સવારે ૮-૦૦ વાગ્યા સુધી સલામતી અને સાવચેતી માટે સમગ્ર તંત્ર સ્ટેન્ડ ટુ રહેશે. તદ્દઉપરાંત જે ર.૭પ લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને પણ આજે સલામત સ્થાને જ રાખવામાં આવશે અને શુક્રવારે સવારે પૂન: ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કર્યા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે સંભવિત વાયુ વાવાઝોડાએ ટર્ન લીધો છે તેમ છતાં ઇવોપરેશન થાય અને ભારે વરસાદ પડે તો હાલની સર્તકતા અને સુરક્ષિત સ્થિતી જળવાઇ રહે એ માટે આજની રાત સજાગ રહેવા સંબંધિત જિલ્લા તંત્રોને આદેશો આપ્યા છે. જે મંત્રીઓ અને પ્રભારી સચિવો જે-તે જિલ્લાઓમાં તંત્રના માર્ગદર્શન માટે ગયા છે તે પણ આવતીકાલ સુધી ત્યા જ રોકાશે એટલું જ નહિ, આ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં પણ આવતીકાલે રજા યથાવત રાખવામાં આવી છે. 
 
વિજય રૂપાણીએ ઉમેર્યુ કે હવામાન ખાતા સાથેના સતત સંકલન અને તેમના તરફથી મળતા અપડેટને કારણે દર બે કલાકે રાજ્યમાં આ સંભવિત વાયુ વાવાઝોડાની સ્થિતીનું સઘન મોનીટરીંગ રાજ્ય સરકારે કર્યુ છે. તેમણે રાજ્યના પ્રજાજનો, સ્વૈચ્છિક સંગઠનો, સરકારી તંત્રના સૌ કર્મયોગીઓ અને મિડીયાના સહકારથી આ સંભવિત કુદરતી આપદાના ખતરા સામે આપણે જાનહાનિ કે માલ-મિલકતને કોઇ જ નુકશાન વિના પાર ઉતર્યા છીએ તે માટે આભાર વ્યકત કર્યો હતો. 
 
વિજય રૂપાણીએએ રાજ્યમાં જે ગામોમાં વિજ પૂરવઠો સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો તે હવે મહદઅંશે પૂર્વવત કરી દેવામાં આવ્યો છે તેની જાણકારી આપતા એમ પણ કહ્યું કે હજુ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ અને અમરેલી આ ચાર જિલ્લાઓમાં વધુ સાવચેતી સંબંધિત જિલ્લા તંત્રો રાખી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર