રાજ્ય માં જે રીતે કોરોના ના કેસ રોકેટ ગતિ એ વધી રહયા છે તે જોતાં આગામી દિવસો માં હોસ્પિટલમાં બેડ અને દવાઓ ની અછત સર્જાય તેવી સ્થિતિ ને પહોંચી વળવા સરકાર હવે એલર્ટ થઈ છે અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના એડમિશનથી લઈ ઓપરેશન સુધીની દવાઓ, ઈન્જેક્શનો સહિત 64 પ્રકારની જુદી જુદી મેડીશન ની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી દવાઓ નો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં અગાઉ બીજી લહેર વખતે વ્યવસ્થા ખોરવાઇ ગઈ હતી તે પરિસ્થિતિનું બીજી વાર નિર્માણ ન થાય એ માટે સરકાર હવે આગોતરી તૈયારીઓ માં લાગી ગઈ છે અને દવાઓ નો સ્ટોક વધારવા દવાઓનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં 6 દવા, ઈન્જેક્શનોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. આ 6 જેટલી દવાઓમાં ત્રણ દવા બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવારમાં વપરાતી છે, જ્યારે બેક્ટેરિયાથી ફેલાતા સંક્રમણને અટકાવવા માટે વપરાતાં ઈન્જેક્શનો પણ મગાવવામાં આવ્યાં છે. આ માટે 12 જાન્યુઆરી સુધીમાં ટેન્ડરો મગાવવામાં આવ્યાં છે અને 13 જાન્યુઆરીએ ટેન્ડર ખૂલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની બીજી લહેર આવી તે સમય એટલે કે ગત વર્ષે એપ્રિલ-મે મહિનામાં રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક કેસનો આંક 14,000ને પાર પહોંચી ગયો હતો, જેમાં દવાઓની અછતના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોટાં શહેરોમાં હોસ્પિટલમાં બેડ ન મળતાં હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે દવાઓ અને ઈન્જેક્શનોનાં કાળાં બજાર થયાં હતા અને અનેક લોકો એ દમ તોડી દીધા હતા ત્યારે હવે 2022 માં હવે ત્રીજી લહેરની શરૂઆત થતાં જ સરકાર આ વખતે એલર્ટ થઈ ગઈ છે અને તૈયારીના ભાગ રૂપે દવાઓ અને ઈન્જેક્શનોનો સ્ટોક કરી રહી છે.