ભરૂચ: ગણેશ મંડળના 7 યુવાનોને લાગ્યો કરંટ, 2ના મોત, 5 સારવાર હેઠળ

બુધવાર, 28 ઑગસ્ટ 2019 (09:33 IST)
ગુજરાત સહિત દેશભરમાં પણ ગણેશઉત્સવની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. તો પાંચ સારવાર હેઠળ છે.
 
ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, તમામ શહેરોમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવી જ રીતે ભરૂચમાં પણ ગણેશઉત્સવની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ  વિઘ્નહર્તાને ઉત્સાહભેર આંગણે બોલાવતા પહેલા જ સાત યુવાનો પર વિઘ્ન આવી પડ્યું હતું. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના નેશનલ હાઈવે પાસે આવેલા આદર્શ માર્કેટ નજીક ગણેશ મંડળના યુવાનો ગણેશજીની પ્રતિમા એક લારીમાં લઈ આવી રહ્યા હતા તે સમયે કરંટ લાગતા બે યુવાનોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય યુવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
 
 
મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે પાસે આદર્શ માર્કેટ પાસે ગણેશ મંડળના યુવાનો ઉત્સાહભેર ગણેશજીની ઊંચી પ્રતિમા લારીમાં લાવી રહ્યા હતા, તે સમયે ગણેશજીની પ્રતિમાને રસ્તા ઉપર જતો વાયર અડકાતા યુવાનોએ વીજ તારને વાંસ વડે દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન કરંટ લાગ્યો હતો. ગણેશ મહોત્સવને લઇને ઉત્સાહમાં આવેલા ગણેશ ભક્તોમાં માતમ છવાય તેવી ઘટના સામે આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર