કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે માં કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જોતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે માં કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત 31 માર્ચ ના રોજ પુરી થઇ છે.
તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, 30 જૂન સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 મી જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપતી મા યોજનાની કામગીરીમાંથી ખાનગી કંપનીને દૂર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
કાર્ડ ઇશ્યુ કરવાથી લઇને રિન્યુ કરવાની કામગીરી માટે એન-કોડ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જેનો સમયગાળો પૂર્ણ થઇ જતાં ગત સપ્તાહથી આ કંપનીના 319 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. મા કાર્ડને લગતી કામગીરી સરકાર જાતે જ કરશે. જેથી 1500 જેટલા પીએચસી, સીએચસી અને તમામ જનરલ હોસ્પિટલોમાં હવેથી મા કાર્ડ ઇશ્યુ કરવાની, રિન્યુ કરવા સહિતની તમામ કામગીરી થશે. રાજ્યમાં હાલ મા યોજનાના 75 લાખ જેટલા લાભાર્થી છે. મા યોજનાને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. મા કાર્ડ ધરાવતા અનેક લાભાર્થીઓને 31 મેના રોજ કાર્ડની મુદ્દત પૂરી થઇ ગઇ હોવાના મેસેજ મળ્યા છે. સૂત્રો મુજબ કોરોનાની સ્થિતિમાં લાભાર્થીઓને તાત્કાલિક કાર્ડ રિન્યુ કરવા જવું ન પડે અને આકસ્મિક બીમારીના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 31 મેના રોજ મુદત પૂરી થઇ છે તેવા તમામ કાર્ડ 30 જૂન સુધી માન્ય રાખવાનો નિર્ણય કરાયો હતો. હવે તેમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.