લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકો ખરીદી કરવા નીકળ્યા, પાનના ગલ્લા પર ભીડ જામી

મંગળવાર, 19 મે 2020 (13:31 IST)
ગઇકાલે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જેથી આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકો પણ 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં. લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ ઉત્તર ગુજરાતમાં લોકો ખરીદી કરવા નીકળ્યા છે. મહેસાણા, વિસનગર, પાટણમાં બજારો ધીમે ધીમે ખૂલી રહી છે. બજાર ખુલતા જ છેલ્લા ત્રણેક મહિનાથી ઘરમાં કેદ રહેલા લોકો બહાર આવી રહ્યાં છે. પાટણ શહેરમાં સવારથી જ માર્કેટો ખુલી ગયા હતા. ઓટો ગેરેજ પણ ધમધમતા થઈ ગયા હતા. તિરૂપતિ માર્કેટ કોમ્પ્લેક્સ હોવા છતાં ખુલ્લું રહ્યું હતું. શહેરના હાર્દ એવા બગવાડા દરવાજા ખાતે લોકોની અવરજવર જોવા મળી હતી. જો કે પાન પાર્લર વાળાએ આજે સ્વંયભૂ બંધ રાખવા નિર્ણય કર્યો છે. લોકડાઉનમા છૂટછાટ બાદ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, આણંદ અને ખેડા જિલ્લામાંથી ધીમે-ધીમે જીવન પાટા પર ચડી રહ્યું છે. અમુક વિસ્તારોમાં બજારો શરૂ થઇ ગઇ છે. પંચમહાલમાં બજારોમાં ભીડ જોવા મળી હતી. અમુક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો. વડોદરામાં એસટી બસ સેવા શરૂ કરવામાં ન આવતા મુસાફરોને ધક્કો ખાવો પડ્યો હતો અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં અમુક સ્થળોએ બજારોમાં ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, પાનના ગલ્લામાં ભીડ જોવા મળી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત સહિતના અમુક શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ખરીદી કરવામાં આવી રહી છે. દુકાનદારો પણ ભીડ એકઠી ન થાય તેની તેકદારી રાખી રહ્યાં છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજથી ફરી વેપાર-ધંધા ધમધમતા થયા છે. રોડ પર પણ ચહલ પહલ વધી છે. વાહનચાલકો માસ્ક પહેરી નીકળી રહ્યા છે. શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં પાનની દુકાનો સ્ટોકના અભાવે બંધ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર