વડોદરામાં મહેસૂલી કર્મચારીઓનો પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરીનો બહિષ્કાર

સોમવાર, 18 મે 2020 (15:06 IST)
કોરોના વાઈરસના ડરથી વડોદરા મહેસૂલી કર્મચારીઓએ પરપ્રાંતિયોના સીધા સંપર્કમાં આવીને તેઓને વતનમાં મોકલવાની કામગીરી કરવાનો બહિષ્કાર કર્યો છે. મહેસૂલી કર્મચારી મહામંડળે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી, રાજ્યના મહેસુલ મંત્રી, રાજ્યના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવને આવેદન પત્ર આપ્યું હતું. વડોદરા મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ ભરતભાઇ ડાભીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની વડોદરા પાંખ દ્વારા આજે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના મહેસુલ મંત્રી, રાજ્યના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપ્યું છે. પરપ્રાંતિયોના સીધા સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ખતરો અમને સતાવી રહ્યો છે. જેથી જ્યાં સુધી તકેદારીના પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરાના મહેસૂલી કર્મચારીઓ પરપ્રાંતિયોના સીધા સંપર્કમાં આવીને તેઓને વતન મોકલવાની કામગીરી ન કરવાનો નિર્ણય લીધો છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, 13-5-020ના રોજ રાજ્ય સરકારમાં પરપ્રાંતિયોની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમાં મહેસૂલી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પરપ્રાંતિયોને તેઓના વતનમાં મોકલવા માટે તેઓ પાસેથી ટિકીટના પૈસા લેવામાં આવે છે. તો આ પૈસા સીધા રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આમ છતાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા આ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.આ ઉપરાંત પરપ્રાંતીયોની ટ્રાન્સપોર્ટેશનની કામગીરી આર.ટી.ઓ. વિભાગની છે. તેમજ પરપ્રાંતિયોને લગતી અન્ય કામગીરી બીજા વિભાગની હોવા છતાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મહેસૂલી કર્મચારીઓના જીવને જોખમ હોવા છતાં સરકાર દ્વારા તકેદારી લેવામાં આવતી ન હોય તો તે ગંભીર બાબત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર