વસ્ત્રાપુરમાં IIM પાસે શ્રમિકોનો પોલીસ પર પથ્થરમારો, 50થી વધુની અટકાયત

સોમવાર, 18 મે 2020 (13:23 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાના સતત 19માં દિવસે 250થી વધુ કેસ નોંધાયા છે. 16મેની સાંજથી 17મેની સાંજ સુધીમાં શહેરમાં કોરાનાના 276 કેસ અને 31 દર્દીના મોત થયા છે.આમ કુલ કેસ 8,420 અને મૃત્યુઆંક 524 થયો છે. જ્યારે 2,660 દર્દી સાજા થઈ ચૂક્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે. પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે 
કોમ્બિંગ શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ, ઝોન 1 સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અચાનક જ શ્રમિકોના ટોળાએ રસ્તા પર આવી રસ્તો રોક્યો હતો. પોલીસે આવી તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે તેઓ કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સપાસમાં કન્સ્ટ્રક્શન સાઈટમાં રહેતા મજૂરોની ઓરડીમાં પોલીસ દ્વારા 50થી વધુ પરપ્રાંતિયોની અટકાયત કરવામાં આવી છે. તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જેટલા પણ તોફાની તત્વો છે તેમને અલગ કરી ગુનો 
નોંધી ધરપકડ કરવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર