ગુજરાતના લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધાશે. તેમજ તેમના વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.
લૉકડાઉનની જાહેરાત છતાં લોકો વાહનો લઇ નીકળી પડે છે, જેના પગલે પોલીસને વાહનો ડિટેઇન કરવા પડે છે. ડિટેઇન કરેલા વાહનોના મેમાની રકમ હાલ આરટીઓ બંધ હોવાથી ભરી શકાતી નથી. લૉકડાઉન બાદ 15 એપ્રિલથી ઇ-મેમોની રકમ આરટીઓમાં ભરી શકાશે. જોકે સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, લૉકડાઉનની સમય મર્યાદા લંબાશે તો કામગીરી બંધ રહેશે. બિનજરૂરી કામો માટે નીકળેલા લોકોની પૂછપરછ બાદ તેમના વાહન ડિટેઇન કરી જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી અપાય છે. પોલીસ સ્ટેશનમાં આવા વાહનોના હાલ ખડકલા જોવા મળી રહ્યાં છે.