સિંહોના મોત મામલે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી

સોમવાર, 26 માર્ચ 2018 (15:16 IST)
ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં બે વર્ષમાં 184 સિંહોના મોત થયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે સુઓ મોટો લીધો હતો અને જાહેર હિતની અરજીને ગંભીરતાથી લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટે સિંહોના અપ્રાકૃતિક મોતના મામલાને અતિ ગંભીર ગણાવતા કહ્યું, આ ઘણો સંવેદનશીલ મામલો છે. જેને સરકાર હળવાશથી નહીં લે. સિંહોના મોત મામલે હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા હતા. જેમાં 152 સિંહ કુદરતી રીતે તથા 32 સિંહ અકુદરતી મૃત્યુ પામ્યા હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. વર્ષ 2016માં 104 અને વર્ષ 2017માં 80 સિંહના મોત થયા હતા.વર્ષ 2016 અને 2017 મળીને કુલ 32 સિંહ, 57 સિંહણ અને 63 સિંહ બાળના કુદરતી રીતે મૃત્યુ થયા છે. અકુદરતી મોતમાં છેલ્લા બે વર્ષમાં 7 સિંહ, 17 સિંહણ અને 8 સિંહ બાળનો સમાવેશ થાય છે. વિધાનસભામાં વન મંત્રીએ સિંહ,સિંહણ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુને અટકાવવા માટે સરકારે કરેલી વ્યવસ્થાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગીર રક્ષિત વિસ્તારમાં નજીક આવેલ રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ અને ફરતે પારાપેટ(નાની દિવાલ) બનાવવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેકના બંને બાજુ ફેન્સીંગ કરેલી છે. આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણી મિત્રની નિમણુંક કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર