કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે “સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર” નો કર્યો શિલાન્યાસ

બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:08 IST)
કેવડીયાના વિકાસની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. ભારત સરકારના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરની શુભેચ્છા અને જીએમઆર વરલક્ષ્મી ફાઉન્ડેશન (જીએમઆરવીએફ ) તથા સરદાર સરોવર નર્મદા નીગમના સયુક્ત સાહસ થકી રૂ. ૧૫ કરોડના રોકાણ સાથે ૧ એકર જમીન પર એક અદ્યતન કૌશલ્ય તાલીમ કેન્દ્ર બનવા જઇ રહ્યુ છે. જેનું ભૂમિપૂજન કેન્દ્રીય વિદેશમંત્રીએ કર્યુ હતું. 
 
આ એક નિવાસી કેન્દ્ર હશે, જ્યાં એક સમયે આશરે ૧૦૦ યુવાનોને સમાવી શકાય તેવી સુવિધા હશે. આ કેન્દ્ર રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્ક (એનએસક્યુએફ) માં ગોઠવાયેલ ઘણા કૌશલ્ય અભ્યાસક્રમો નિ: શુલ્ક ચલાવશે. મોટાભાગના અભ્યાસક્રમો, કેવડીયામાં જ પર્યટન અને આતિથ્યની જરૂરીયાતોની માંગને ધ્યાનમાં લઇ શરૂ કરવામાં આવશે.જેમ કે ફુડ એન્ડ બેવરેજ નો કારભાર, રૂમ એટેન્ડન્ટ, મિકેનિકલ હાઉસકીપીંગ, વિશેષરૂપે ડ્રેગન-ફ્રૂટ પ્રોસેસિંગ, સાબુ બનાવવાની રીત વગેરે જે સ્થાનિક યુવાઓ, મહિલાઓ તથા વિવિધ સ્વ-સહાય જૂથો વગેરે માટે આશીર્વાદ રૂપ બનશે. 
ઉદ્યોગસાહસિકતાના વિવિધ અભ્યાસક્રમો, કારકિર્દી પસંદગી અંગેનું માર્ગદર્શન અને નોકરીના ઇચ્છુક લોકો માટે વ્યવસાયલક્ષી તાલીમ એ અન્ય મોટી પ્રવૃત્તિઓ હશે. દર વર્ષે તેના વિવિધ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા ૫૦૦ થી ૬૦૦  યુવાનો, ખેડુતો, સ્વસહાય જુથ (એસએચજી) મહિલાઓ  વગેરેને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે. આમ, આ  કેન્દ્ર સ્થાનિક યુવાનો અને મહિલાઓને તેમના કૌશલ્ય વિકાસ દ્વારા સશક્તિકરણ અને રોજગારની તકો પૂરી પાડવા માટે એક વરદાન સાબિત થશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ૩૮ લાખથી વધુ પ્રવાસીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પર્યટકો માટે એક મહત્વના આકર્ષણ સ્થળ તરીકે ઉભરી આવેલ છે. દરરોજ સરેરાશ ૧૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ રહેલ છે. શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલ ૮ અજાયબીઓમાં તેમજ “ટાઇમ મેગેઝીન” દ્વારા ઘોષણા કરાયેલ વિશ્વના ૧૦૦ વિખ્યાત સ્થળોમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે.
 
ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, એકતા મોલ, આરોગ્ય વન, ડાઇનો-ટ્રેઇલ, ખલવાણી તથા ઝરવાણી ઇકો ટુરીઝમ સાઇટ વિગેરે સ્થળો વિકસાવીને જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા બાદ તહેવારનાં દિવસોમાં પ્રવાસીઓ ની સંખ્યા પ્રતિ દિન ૩૫,૦૦૦ સુધી વધવા પામેલ છે.
 
પ્રવાસીઓની સંખ્યામાં આ તીવ્ર વૃધ્ધિ સાથે, સ્થાનિક આદિજાતી યુવાનો માટે રોજગાર ઉત્પન્ન કરવા માટેની ઘણી તકો ઉભી થયેલ છે. જેનાં લીધે ૩૦૦૦ થી વધુ લોકોને રોજગારીનો સીધો લાભ મળેલ છે. જેવા કે ટુરીસ્ટ ગાઇડ, વેચાણ કેંદ્રો પર (છોકરા - છોકરીઓ), કચેરી સહાયકો, સીક્યોરીટી ગાર્ડસ, ડ્રાઇવરો, પ્રાણીઓની સંભાળ માટે, લીફ્ટ ઓપરેટરો, રસોઇકામ માટે, વેઇટર્સ, હેલ્પર્સ તરીકે કામ કરવા માટે રોજગારીની તકો પ્રાપ્ય બનેલ છે. અને ઘણી મોટી સંખ્યામાં આનુષંગિક પ્રવૃત્તિઓમાં પરોક્ષ રોજગાર પણ મેળવવામાં આવે છે, જેથી સ્થાનિક કક્ષાએ કૌશલ્ય વિકાસ કેન્દ્ર હોવું જરૂરી બન્યું છે  કે જે સ્થાનિક યુવાનો અને મહિલાઓનું કૌશલ્યવર્ધન કરીને તેમને જે તે રોજગાર માટે સક્ષમ બનાવી શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર