કચ્છમાં સિરક્રિક નજીકથી બે પાકિસ્તાની બોટ મળી આવી, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

શનિવાર, 5 ઑક્ટોબર 2019 (14:27 IST)
તાજેતરમાં જ દિલ્હીમાં કેટલાક ખૂંખાર આતંકીઓ ઘૂસ્યા હોવાના ઈન્ટેલિજન્સના ઈનપૂટ બાદ એલર્ટ જાહેર કરાયું હતું. ત્યારે ભારતમાં આતંકવાદી હુમલાના ભણકારા વચ્ચે કચ્છના સિરક્રિકમાંથી બિનવારસી બે પાકિસ્તાની બોટ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. બીએસએફ જવાનો દ્વારા શનિવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ બન્ને બોટ ફિશિંગ બોટ હોવાનું જણાયું છે.

સૂત્રોના મતે કચ્છના સિરક્રિકમાંથી બે બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી છે. બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ બન્ને બોટ મળી આવરી હતી. ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડી ક્રિકમાંથી પાકિસ્તાન તરફ નાસી છૂટ્યા હોવાની સંભાવના પણ નકારી શકાતી નથી. તેમનો સામાન બોટમાં જ પડ્યો હોવાનું જણાયું છે. બિનવારસી હાલતમાં બોટ મળતા બીએસએફ જવાનો સતર્ક થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

તાજેતરમાં જ કચ્છ નજીકથી બે બિનવારસી બોટ મળી આવી હતી જેને પગલે નેવી અને કોસ્ટગાર્ડ પણ એલર્ટ થઈ ગયા હતા. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનમાંથી તાલિમ પામેલા આતંકીઓ દરિયાકાંઠા માર્ગેથી ઘૂસીને દેશમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. દેશની સેના આતંકવાદીઓને છોડશે નહીં. 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર