બગસરામાં માનવભક્ષી દિપડો ઠાર કરી અગ્નિદાહ દેવાયો, ફરીવાર સીમમાંથી એક દિપડો દેખાયો

શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (11:52 IST)
બગસરામાં 7 વર્ષના માનવભક્ષી દીપડાને ઠાર મારી તેનું પીએમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ કરી અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. દીપડાના આતંક વચ્ચે ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દીપડા પાંજરે પૂરાયા છે. જ્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. રાત્રે 3 વાગ્યા આસપાસ 108ની ટીમે ઘરમાં ઘૂસતા જોયો હતો. ઉનાના પોશ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઇ છે.

108 દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પરંતુ દીપડો લોકોને જોઇને ભાગી ગયો હતો. બગસરા પંથકમાં જે દિપડાએ પાંચ લોકોને મારી નાખ્યા, અનેક લોકો પર હુમલો કર્યો, પશુઓનું મારણ કર્યુ તે આદમખોર દીપડાને બુધવારે સાંજે વન વિભાગના શાર્પ શુટરોએ બે ગોળી ધરબી દઇ ઠાર કર્યા બાદ રાત્રે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી.

જ્યાં ગુરુવારે ત્રણ ડોક્ટરની પેનલથી તેનુ પોસ્ટ મોર્ટમ કરી અગ્નીદાહ અપાયો હતો. બગસરા, વિસાવદર, ધારીના સીમાડે દિપડાની સંખ્યા વધુ હોય વન વિભાગે દીપડાને પકડવા માટે ઓપરેશન યથાવત રખાયું છે. શાર્પ શુટરોની ટીમ જુદા જુદા સ્થળે ગોઠવાયેલી રહેવાના બદલે જ્યાં પણ દીપડાનું લોકેશન મળશે ત્યાં દોડી જશે. વિસાવદરના ઘોડાસણમાં ગત બુધવારે એક તુવેરના ખેતરમાં દીપડાના સગડ જોવા મળ્યા હતા. વનવિભાગે તેને પકડવા માટે ખેતર ફરતે ઘેરો નાંખ્યો હતો. જો કે, દીપડો રાત્રે જ વનવિભાગને હાથ તાળી આપી કર્મીઓની નજર સામેથી જ છટકી ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર