Kutch News - ધારાસભ્યની નજર સમક્ષ તળાવમાં ડૂબ્યો છોકરો, પૂજાનું નાળિયેર પકડવા તળાવમાં કૂદ્યા હતા 3 છોકરા

મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (22:04 IST)
કચ્છ જિલ્લાના મુંદ્રામાં આવેલા એક તળાવમાં ડૂબી જતાં એક યુવકનું મોત નિપજ્યું છે. આજે બપોરે તળાવ પૂજન બાદ છોકરો નાળિયેર પકડવા તળાવમાં કુદ્યો હતો. ખાસ વાત એ છે કે તળાવના કિમારે હજારો લોકો સાથે મુંદ્રા (કચ્છ)ના ભાજપના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા અને ઘણા અધિકારીઓ પણ હાજર હતા, જેમણે તળાવ પૂજન માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. યુવકની શોધખોળ ચાલી રહી છે. 
તળાવની પૂજા અર્ચના બાદ અહીં હાજર લોકો નારિયેળ તળાવમાં ફેંકી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ છોકરા નાળિયેર પડવા માટે કૂદ્યા હતા. થોડીવાર સુધી ત્રણેય છોકરા નાળિયેર પકડતા રહ્યા. આ દરમિયાન એક છોકરાએ ડૂબકી લગાવી, પરંતુ બહાર ન નિકળ્યો. લોકોએ અવાજમાં તરી રહેલા બાકી બે છોકરાઓનું ધ્યાન પણ તેના પર થોડીવાર પછી ગયું. જોકે ત્યાં સુધી મોડું થઇ ગયું હતું અને છોકરો તળાવમાં જ ગુમ થઇ ગયો. એનડીઆરએફની ટીમ છોકરાને શોધખોળ કરી રહી છે. 
કચ્છ જિલ્લાના ગામમાં જ્યારે પણ ત્યાંની જીવનદોરી નદી અથવા તળાવમાં ચોમાસામાં ભરાઇ જાય છે તો તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. નદી તળાવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે તેને ઉત્સવની માફક ધૂમધામથી ઉજવવામાં આવે છે. જેમાં આસપાસના ગામના હજારો લોકો એકઠા થાય છે. આરતી બાદ નદી તળાવમાં દૂર સુધી નાળિયેર ફેંકવાની પણ પરંપરા હોય છે. તો બીજી તરફ ગામના છોકરા નારિયેળૅ લેવા માટે તેમાં છલાંગ લગાવે છે. 
 
આ ઘટના બાદ તાત્કાલિક ગુજરાત કોંગ્રેસના નેતા અને અત્યારે કોંગ્રેસના બિહાર પ્રભારી શક્તિ સિંહ ગોહિલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે એક જવાબદાર નેતાની હાજરીમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. હું સીએમ વિજય રૂપાણીને વિનંતી કરું છું કે તાત્કાલિક એનડીઆરએફની ટીમ મોકલે અને ઘટનાની તપાસ કરાવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર