કચ્છના અખાતમાં ઓએનજીસી દ્વારા ગેસનું ઉત્પાદન કરાશે.
બુધવાર, 28 જૂન 2017 (11:56 IST)
તેલ અને ગેસના ભાવ વધી રહ્યાં છે ત્યારે ગુજરાતનું કચ્છ દેશ માટે રાહત રૂપી સાબિત થશે. ભારત સરકારની ઓએનજીસી દ્વારા કચ્છમાં ઉત્પાદન શરૂ કરાશે, 30 વર્ષ બાદ કચ્છ ઓફશોર બેઝિન માટે ઉત્તમ હોવાથી કંપની અહીં 2020 સુધીમાં ઉત્પાદન શરુ કરશે. કચ્છના અખાતમાં ગત વર્ષે ઓએનજીસી દ્વારા 17 સંશોધનો કરાયા છે, જે સંશોધન પાછળ 2 બિલિયન ડોલરનો ખર્ચ થઇ ચુક્યો છે. દિલ્હી ખાતે યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ કોમપેક્ટ નેટવર્ક દ્વારા આયોજિત એક ઔદ્યોગિક કાર્યક્રમમાં માહિતી આપતા કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડી.કે સરાફે જણાવ્યું કે, ‘અમે કચ્છ ના દરિયાઈ પ્રદેશમાં અનેક ઘણી નવી શોધો કરી છે, ભરપૂર માત્રામાં ગેસ ત્યાં રહેલો છે, જે આશાસ્પદ છે. અમે વધુ તાકાત લગાવી વધુ ગેસ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી તેલ અને ગેસના ભાવ પડકારજનક હોવા છતાં બેઝિનનું ઉત્પાદન નફાકારક રહે.
અમે આગામી બેથી ત્રણ વર્ષમાં આ બ્લોકનું મુદ્રીકરણ કરવાનું વિચારી રહ્યા છીએ’ અંગ્રેજી માધ્યમને અહેવાલ આપતા કંપનીના સંશોધન ડાયરેક્ટર અજયકુમાર દ્વિવેદીએ જણાવ્યું કે, કચ્છના તટપ્રદેશમાં 110 મિલિયન મેટ્રિક ટન ગેસ રહેલો છે જેમાંથી 29.87 મિલિયન મેટ્રિક ટન જેટલું અમે રિકવર કરીશું. જેનો ખર્ચ 500 મિલિયન ડોલરને આંબશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દેશના 26 તટપ્રદેશ માંથી માત્ર 7 બેઝિનમાં જ ઓએનજીસી ઉત્પાદન કરી રહી છે, એવામાં કચ્છના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસનું સંશોધન થઇ જથ્થો મળતા દેશનું અર્થતંત્ર સબળ બનશે અને ખાસ ઉર્જાતંત્રના સરહદી જિલ્લાના જોડાણથી એક નવીજ ઉર્જાનો સંચાર થશે.