કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની તસવીર સાથે યુવતીએ ઠુમકાં લગાવ્યાં, સાયબર સેલમાં ફરિયાદ

બુધવાર, 27 નવેમ્બર 2019 (12:00 IST)
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રી બનેલા કુંવરજી બાવળિયાની તસ્વીર સાથેનો ટીકટોક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં તસવીર સાથેના વીડિયોમાં એક યુવતી ઠુમકાં મારતી દેખાઇ છે, તેમજ વોટ્સએપ ગ્રૂપમાં ફરતી કરવામાં આવેલી બે ક્લિપમાં મંત્રી બાવળિયાને ગાળો ભાંડવામાં આવી હતી. આ મામલે સાયબર સેલમાં ફરિયાદ થતાં પોલીસે આવું કૃત્ય કરનારાઓની શોધખોળ શરૂ કરી હતી. રાજ્યના ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની તસવીર સાથેનો ટિકટોક વીડિયો છેલ્લા કેટલાક સમયથી લોકોના મોબાઇલમાં ફરી રહ્યો છે. આ ટિકટોક વીડિયોમાં મંત્રી બાવળિયાની તસવીર બતાવવામાં આવી છે અને તસવીરની બાજુમાં વીડિયો મૂકવામાં આવ્યો છે જેમાં બાવળિયા બાવળિયા ગીત ગાતી એક યુવતી ઠુમકાં મારતી દેખાઇ રહી છે. આ ઉપરાંત જસદણ ડુંગરપુર નામના વોટ્સએપ ગ્રૂપમાં તાજેતરમાં બે ઓડિયો ક્લિપ મૂકવામાં આવી હતી જેમાં અજાણ્યા શખ્સો મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ગાળો ભાંડતા હતા. આ મામલામાં મંત્રી બાવળિયાના પીએ સુનિલભાઇ સોલંકીએ મંગળવારે સાંજે રાજકોટ સાયબર સેલમાં એક અરજી કરી હતી જેમાં ટિકટોક વીડિયો બનાવનાર અને તેને ફેલાવનાર સામે તેમજ વોટ્સએપ ગ્રૂપમાં ગાળો ભાંડતી ક્લિપ તરતી કરનારાઓને તાકીદે ઝડપી લેવાની માંગ કરવામાં આવી હતી. મંત્રીના પીએ એ અરજી કરતાં જ શહેર પોલીસે વીડિયો બનાવનાર અને ક્લિપ બનાવનારને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર