ઉત્તરાખંડથી ખૂબ જ ભયાનક સમાચાર આવી રહ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, ચમોલી નજીક ગ્લેશિયર તૂટવા ના કારણે ભારે હિમસ્ખલન થયુ છે. . ભારે વિનાશનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગ્લેશિયરનો બરફ ધૌલીગાંગા નદીમાં વહી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં ભારે જાન-માલનું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે અને બચાવ ટીમોને સ્થળ પર મોકલી દેવામાં આવી છે. ઋષિગંગા વીજ પ્રોજેક્ટને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. અલકનંદા નદીના કાંઠે રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળોએ ખસેડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાવચેતી રૂપે, ભગીરથી નદીનું પાણી અવરોધિત કરાયું છે. શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને ખાલી કરાવ્યો છે.
કેવી રીતે તૂટે છે ગ્લેશિયર ?
ગ્લેશિયર વર્ષોથી મોટા પ્રમાણમાં બરફ એક સ્થાને એકત્ર થવાથી બને છે. આ બે પ્રકારનાં હોય છે અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતોના ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે. પર્વતો પર ગ્લેશિયર તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે એક ગુરુત્વાકર્ષણને કારણે છે અને બીજું ગ્લેશિયરના કિનારા પર વધતા તણાવને કારણે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો કોઈ ટૂકડો અલગ થાય છે તો તેને કાલ્વિંગ કહે છે.
ગ્લેશિયર પૂર કેવી રીતે આવે છે?
ગ્લેશિયર ફાટવા અથવા તૂટી જવાને કારણે આવનારા પૂરના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક થાય છે પાણી તેનો રસ્તો શોધી કાઢે છે અને જ્યારે તે ગ્લેશિયરમાંથી પસાર થાય છે ત્યારે બરફ પીગળવાનો દર વધે છે. તેનાથી માર્ગ મોટો થતો જાય છે અને બરફ પણ ઓગળે છે અને વહેવા લાગે છે એનસાયક્લોપિયા બ્રિટાનિકાના જણાવ્યા મુજબ, તેને આઉટબર્સ્ટ ફ્લડ (Outburst flood) કહેવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે ડુંગરાળ વિસ્તારોમાં થાય છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તૂટે છે, તો કેટલાક બે કે ત્રણ વર્ષના અંતરે. કેટલાક કયારે તૂટશે તેનો અંદાજ લગાવવો લગભગ અશક્ય છે.
ઉત્તરાખંડમાં ભારે નુકસાનનો ભય
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી ગયા બાદ પાણીના ઝડપી પ્રવાહને ધ્યાનમાં રાખતા કીર્તિ નગર, દેવપ્રયાગ, મુનિ કી રેતી વિસ્તારોમાં સાવચેત રહેવા જણાવ્યું છે. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતના જણાવ્યા અનુસાર, 'અમને અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર બે પુલ વહેવાના અહેવાલ છે.' તેમણે કહ્યું કે, જાનહાનિ થવાની સંભાવના પણ છે, પરંતુ હાલની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એસડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમોને વહેલી તકે સ્થળ પર પહોંચવા નિર્દેશ આપવામાં આવ્યો છે.