ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં મીઠી મધુર કેસર કેરીનું આગમન

શનિવાર, 3 એપ્રિલ 2021 (21:49 IST)
ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે ત્યારે આ તરફ ફળોના રાજ ગણાતા કેરીનું બજારમાં આગમન થઇ રહ્યું છે. સામાન્ય રીતે એપ્રિલના બીજા અઠવાડિયાથી કેસર કેરી ની આવક જોવા મળતી હોઈ છે. જો આ વખતે કેસર કેરીનું ગોંડલના માર્કેટમાં હાલ આઠથી દસ દિવસ વહેલું થયું હોવાનું માનવામાં આવે છે.
 
ગોંડલના યાર્ડમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવતી કેસર કેરી પ્રખ્યાત છે જેમાં કંટાળા, જસાધાર, ઉના, તાલાળા પંથકમાંથી કેસર કેરીની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.
 
આ વર્ષે કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. ત્યારે યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 1200થી 1500 બોક્સની આવક થઇ હતી. આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોકસના ભાવ રૂપિયા 800/-થી લઈને 1400/- સુધીના બોલાયા હતાં.
 
ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીની સિઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે. તો બીજી તરફ સિઝનના પ્રારંભની સાથે કેસર કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર