મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ૨૬ જીલ્લાઓમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા - ૧૯૬૨ નો પ્રારંભ કરાવ્યો

શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (08:29 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યના ૨૬ જીલ્લાઓમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨નો પ્રારંભ કરાવ્યો છે. પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલ આ માટેના લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે અમારી સરકારી જાડી ચામડીની સરકાર નથી પરંતુ તમામ વર્ગ સમૂહના પશુ-પક્ષી-પ્રાણીઓ પ્રત્યે કરૂણા અને અનુકંપા ધરાવતી સંવેદનશીલ સરકાર છે. તેમણે કહ્યું હતું કે પ્રાણીઓની સુરક્ષા માટેના કરૂણા અભિયાન અંતર્ગત ગત જાન્યુઆરી માસના રાજ્ય વ્યાપી પતંગ મહોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં પતંગની દોરીથી ઘવાયેલા ૨૫,૦૦૦ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. આ અભિયાનને કારણે ઘવાયેલા પક્ષીઓની સંખ્યા ઘટીને ૪૦૦૦ થઈ ગઈ છે.

રૂપાણીએ  આગળ જણાવ્યું હતું કે અમારી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારે આ પહેલા પણ માર્ગ અકસ્માત, પ્રસૂતિ જેવા સંજોગોમાં તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જીવીકે ઈએમઆરઆઈ સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા તેની સમયસૂચકતા અને કટોકટીના સમયે તાત્કાલિક સારવારને લીધે આજે દેશમાં અવ્વલ નંબરે સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું હતુ કે આપણી સંસ્કૃતિમાં ગાયને આપણે સૌ ગૌ-માતા તરીકે સ્થાન આપીએ છીએ. અમારું ધ્યેય દેશની અંદર શ્વેત ક્રાન્તિમાં મહત્ત્વનું યોગદાન આપતા પશુધનની સુરક્ષા કરવાનું છે.

આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કરૂણા એમ્બ્યુલન્સ સેવા એ ઘવાયેલા અને બિમાર પશુઓ જેમને રોડ પર રખડતા છોડી દેવામાં આવતા હતા અને ધીમે ધીમે તેઓ પીડાદાયક મૃત્યુના મુખમાં ધકેલાઈ જતા હતા તેવા પશુઓ માટે મોટી રાહત અને આશીર્વાદ સમાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગાંધીનું આ ગુજરાત સદીઓથી પશુ-પંખી-પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ ભૂમિ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર