દિવાળીની રજાઓમાં ફરવા ગયેલા પરિવારની કાર કુવામાં ખાબકતા 4ના મોત, કાર ચાલકને ઝોકુ આવતા બન્યો અકસ્માત

સોમવાર, 8 નવેમ્બર 2021 (13:06 IST)
મોરબીના વાંકાનેર તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, કોણકોટ પાસે કાર ચાલકને ઝોકુ આવતા એકાએક કાર કૂવામાં ખાબકી હતી જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. દિવાળની રજાઓં ફરવા ગયેલો અમદાવાદનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે, એક જ પરિવારમાં ચાર સભ્યોના મોતથી પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. અમદાવાદનો પરિવાર દિવાળીની રજામાં ફરવા ગયો અને ફરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કાર ચાલકને ઝોકુ આવી જતા કાર કુવામાં ખાબકી હતી જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલના રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (69) તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ગઈકાલે કણકોટ ગામ પાસે ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અમદાવાદ પાર્સિંગની GJ 01 HZ 1453 નંબરની કાર કૂવામાં જઈને પડી હતી. ઘરના મોભી રતિભાઈ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ તથા ડ્રાઈવર કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે કારમાં પાછળના ભાગે બેઠેલા રતિભાઈના પત્ની મંજુલાબેન રતિભાઈ પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ (43) અને બા બાળકો આદિત્ય (16) અને ઓમ (7)નું મોત થઈ ગયું હતું.
 
સ્થાનિકો અકસ્માતની જાણ થતાં તેઓ બનાવના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે કૂવામાં જીવ બચાવવાની કોશિશ કરી રહેલા મણિભાઈ અને દિનેશભાઈને બહાર કાઢી લીધા હતા.
 
આ ઘટનામાં ડ્રાઈવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને તેને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ડ્રાઈવરે પોતાનો જીવ બચી ગયા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે રતિભાઈ પ્રજાપતિએ બેજવબદારીભર્યું ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર