અમદાવાદના કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા 25 કૂલર મૂકાયા, પાંજરામાં એન્ટી વાયરલ દવાનો છંટકાવ કરાયો

શનિવાર, 10 એપ્રિલ 2021 (14:25 IST)
શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો અને સાથે જ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે માણસની સાથે પ્રાણીઓ પર પણ તેની અસર ના થાય તે પણ જરૂરી છે. કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ગરમીથી બચવા તો વ્યવસ્થા કરવામાં આવી છે સાથે કોરોનાથી બચવા માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે કોરોનાના કેસ વધતા કાંકરિયા ઝૂ પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યું છે. શહેરમાં આવેલ કાંકરિયા ઝૂમાં તમામ પ્રકારના પ્રાણી રાખવામાં આવ્યા છે.


હાલની પરિસ્થિતિને જોતા પ્રાણીઓને પણ કોરોનાના સંક્રમણથી બચાવવા જરૂરી છે. જે માટે ઝૂ વિભાગ પણ તકેદારી રાખી રહ્યું છે. કાંકરિયા ઝૂમાં કામ કરતા તમામ કર્મચારીઓના 2 વખત કોરોના ના રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે. ઝૂના કર્મચારીઓને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત પ્રાણીઓના કેર ટેકરને પણ સાવધાની રાખવા અલગથી સૂચના આપવામાં આવી છે. કાંકરિયા ઝૂમાં પ્રાણીઓના પાંજરા એન્ટી વાયરસ મેડીસીનનો છંટકાવ કરવામાં આવે છે. પશુ પક્ષીઓને તો કાયદાકીય રીતે હાથ લગાવવાની પણ મનાઈ છે. જેથી કોઈ કર્મચારી હાથ લગાવતા નથી. થોડા દિવસો અગાઉ ઝૂ ચાલુ હતું ત્યારે પણ પાંજરા અને પયર્ટકો વચ્ચે 3 મીટર જેટલું અંતર હતું. કોરોનાને કારણે ગત 18 માર્ચથી ઝૂ પણ બંધ કરવામાં આવ્યું છે અને હાલ અંદર કામ કરતા તમામ લોકોને માસ્કના નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે ગરમીથી રાહત મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 25 કૂલર પાંજરા પાસે રાખવામાં આવ્યા છે. તડકા સામે રક્ષણ મેળવવા ગ્રીન નેટ રાખવામાં આવી છે. જેનાથી ગરમી કપાય છે. સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. હાથી.મગર,ગેંડા જેવા પ્રાણીઓ માટે પાણીના હોજ પણ ભરવામાં આવ્યા છે. પ્રાણીઓના ખોરાક પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર