Kalol News - કલોલના નીલકંઠ મહાદેવ મંદિરનો વહીવટદારોએ જ વહીવટ કરી નાખ્યો, સરકારની મંજુરી વિના અઢી કરોડનો દસ્તાવેજ

શનિવાર, 29 એપ્રિલ 2023 (13:44 IST)
કલોલના ઉનાલી ગામની સીમમાં બિનખેતીની જમીનમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના ચાર વહીવટકર્તાએ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા વિના જ સ્કાયફાઇન્ડર ડેવલપર્સ એલએલપીને દસ્તાવેજ કરીને બે કરોડ 92 લાખ 12 હજારમાં વેચી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કલોલ તાલુકાના ઉનાલી ગામની સીમમાં આવેલ બિનખેતીની જમીનમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના ચાર વહીવટદારોએ સરકારની મંજૂરી વિના બારોબાર 2 કરોડ 92 લાખ 12 હજારમાં ગેરકાયદે રીતે વેચાણ દસ્તાવેજ કરી છેતરપિંડી આચરતાં ખળભળાટ મચી ગયો છે.ગાંધીનગરના સેકટર-11 સહયોગ સંકુલ ખાતે આવેલી ટ્રસ્ટોની નોંધણી કચેરીના ઈન્ચાર્જ નિરીક્ષક હાર્દિકભાઈ ગજેન્દ્રભાઇ પટેલ ગાંધીનગર જિલ્લામાં ચાલતા જાહેર ટ્રસ્ટોમાં ચાલતી ગેરરીતિ બાબતની મળતી ફરિયાદના આધારે તપાસ કરતા હોય છે.

ગત તા. 9મી માર્ચ 2023ના રોજ અમદાવાદના બહુમાળી ભવન સ્થિત ચેરિટી કમિશનરની કચેરી દ્વારા કલોલના ઉનાલી ગામની સીમમાં આવેલા નીલકંઠ મહાદેવ ટ્રસ્ટની મિલકત વેચાણ થઈ ગયા અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.જેના પગલે ઈન્ચાર્જ નિરીક્ષક હાર્દિકભાઈ પટેલે ઉક્ત સર્વેવાળી મિલકત-જમીનમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરનો રેવન્યુ રેકોર્ડ કલોલની મામલતદાર કચેરી ખાતેથી કઢાવવામાં આવ્યો હતો, જેમાં મંદિરના વહીવટકર્તાઓ ઠાકોર શકુજી કરશનજી, ઠાકોર હીરાજી દાનાજી, ઠાકોર બુધાજી આતાજી તેમજ ઠાકોર કાંતિજી રામસંગજીએ ઉક્ત જમીન સ્કાયફાઇન્ડરસ ડેવલપર્સ એલએલપીને 15 સપ્ટેમ્બર 2021માં વેચાણ દેસ્તાવેજ લઈને 2 કરોડ 92 લાખ 12 હજારમાં વેચી માર્યું હોવાનું ખૂલ્યું હતું.આ મામલે ચારેય વહીવટકર્તાને 27 માર્ચ 2023ના રોજ કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે એનો કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારે આ ગેરરીતિ બાબતે ઉપરી કચેરીને વિગતવાર અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો, જેના પગલે ચેરિટી કમિશનર કચેરીની સૂચનાથી ઈન્ચાર્જ નિરીક્ષક હાર્દિકભાઈ પટેલે ચારેય વહીવટકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ આપતાં સાંતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર