Junagadh Marketing Yardમાં કેરીના બોક્સ પલળ્યા, માવઠાથી તલ, રાવણા, ચીકુ જેવા પાકોને પણ નુકશાન

શનિવાર, 29 એપ્રિલ 2023 (15:25 IST)
- ખેડૂતોએ કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર પાસે વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી
- ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 60થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
 
ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે.  ઉનાળાની સિઝનમાં કેરીનો મતલબ પાક ઈચ્છતા ખેડૂતોએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં આજે વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ વરસાદે હરાજી શરૂ કરવી પડી હતી. 
 
કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન
વરસાદમાં કેરીના બોક્સ પલળી ગયા હતા જેને લઈ ખેડૂતોએ વરસતા વરસાદ વચ્ચે હરાજી કરવાની ફરજ પડી હતી.માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવેલા કેરીના 15 હજારથી બોક્સ પલળી ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં તલ, રાવણા, ચીકુ જેવા પાકોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આવનાર દિવસોમાં હજુ પણ ખેડૂતો પોતાના બગીચાઓમાં રહેલી કેવી રીતે કેરીઓ બચાવે છે તે પણ જોવાનું રહેશે. આંબાના બગીચા ધરાવતા ખેડૂતોએ કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર પાસે વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. 
 
6 કલાકમાં 60થી વધુ તાલુકાઓમાં વરસાદ 
ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 60થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ, મોરબી અને ધ્રોલમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર, જામકંડોરણા, કોટડા સાંગાણી અને માંગરોળમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.આજે પડેલા કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
 
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
અમદાવાદના ધોળકામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જીને ધોધમાર 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ, ગીરમાં પણ તોફાની વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર