જિજ્ઞેશ મેવાણીની ભાજપને ચિમકી, બાબાસાહેબની પ્રતિમા પાસે ફરકવા નહીં દઈએ
સોમવાર, 9 એપ્રિલ 2018 (17:48 IST)
દલિત આગેવાન અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ચિમકી આપી છે કે, જો એટ્રોસિટીના કાયદા પર સુપ્રીમે આપેલા ચુકાદા સામે કેન્દ્ર સરકાર વટહુકમ નહીં લાવે તો 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિતે ભાજપના કોઈ નેતાને બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર નહીં કરવા દેવાય. અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રવિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા મેવાણીએ કહ્યું હતું કે, 12 એપ્રિલના રોજ 15 રાજ્યોના દલિતો અને આદિવાસીઓ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ કરશે, અને સમગ્ર દેશના લોકોને અપીલ કરશે કે તેઓ ભાજપના નેતાઓને બાબાસાહેબની પ્રતિમાન ફુલહાર કરતા અટકાવે. મેવાણીએ એટ્રોસિટી એક્ટ સામે જજમેન્ટ આપનારા બે જજો સામે ઈમ્પિચમેન્ટની પણ માગ કરી હતી.દલિતોને હિંસા ન કરવા તેમજ જાહેર મિલકતોને નુક્સાન ન પહોંચાડવાની અપીલ કરતા મેવાણીએ કહ્યું હતું કે, તેઓ 14 એપ્રિલે સારંગપુરમાં આવેલી બાબાસાહેબની પ્રતિમા ફરતે માનવ સાંકળ રચે, અને ભાજપના નેતાઓને આ એરિયામાં ઘૂસવા ન દે. મેવાણીએ કહ્યું હતું કે, દરેક જિલ્લામાં આવા કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મળેલા દલિત આગેવાનોએ ભાજપ સામે દલિત-આદિવાસી અને મુસ્લિમોને એક થવા પણ કહ્યું હતું.સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી એડવોકેટ અશોક અરોરાએ જણાવ્યું હતું કે, કોર્ટે આપેલા 89 પાનાનાં ચુકાદામાં માત્ર ચાર જ લાઈનો આ કેસને લગતી છે, બાકીના સમગ્ર ચુકાદામાં માત્ર સમુદાય વિરુદ્ધનું લખાણ છે. આ ચુકાદો આપનારા જજો સામે ઈમ્પિચમેન્ટની કાર્યવાહી થવી જ જોઈએ.અરોરાએ કહ્યું હતું કે, દહેજ વિરોધી ધારા 498 Aના દુરુપયોગ અંગે કોર્ટમાં અપીલ થઈ હતી, ત્યારે તત્કાલિન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ અંગે ગાઈડલાઈન બનાવવાનું કામ કોર્ટનું નહીં, સરકારનું છે. એક કાયદામાં આવો ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટ અંગે આવું નિવેદન આપવાને બદલે કેમ ચુકાદો આપી દીધો તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.