રાજ્ય સરકારે લીધેલા પ્રિવેન્શન એક્શન ગેમ ચેન્જર બન્યા: ડૉ.જયંતી રવિ

શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (10:56 IST)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગુજરાત મોડેલની કોવિડ-૧૯ મહામારી સામેની લડતની મુક્ત મને પ્રશંસા કરી છે. કોરોના જેવી તદ્દન અજાણી મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં સમગ્ર વહિવટી તંત્રએ જે રીતે લડત આપી અને આખું ગુજરાત જે રીતે એક થઈને લડયું છે તે અન્ય રાષ્ટ્રો અને રાજ્યો માટે અનુકરણીય છે એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન - WHOના ભારત(WR)ના પ્રતિનિધિ ડૉ. રોડ્રિકો ઓફ્રિન (Dr.Roderico Ofrin)એ કહ્યું હતું.
 
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને વિનોદ રાવ તથા જિલ્લા કલેકટરો સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ આવો પ્રતિભાવ આપ્યો હતો.
 
કોવિડ-૧૯ મહામારીના શરૂઆતના તબક્કામાં ગુજરાત સંક્રમણ બાબતે ત્રીજા સ્થાને હતું પરંતુ ગુજરાતે ખુબ જ ઝડપથી આ સ્થિતિ સુધારવામાં અને સંક્રમણને આગળ વધતું અટકાવવામાં  સફળતા મેળવી છે, ત્યારે આ વીડિયો કોન્ફરન્સનો આશય ગુજરાતના કોવિડ-૧૯ કંટ્રોલ મોડલ અંગે જાણકારી મેળવવાનો તેમજ ગુજરાત દ્વારા કઈ રીતે આયોજન કરવામાં આવ્યું અને તેનો અમલ કરીને સંક્રમણ સામે ઝડપથી રિસ્પોન્સ આપી શકાયો તે સહિતની વિગતો મેળવી અન્ય રાજ્યો-રાષ્ટ્રમાં અમલવારી કરાવવાનો હતો.
 
WHOના ભારત(WR)ના પ્રતિનિધિ ડૉ. રોડ્રીકો ઓફ્રીને આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ કંટ્રોલ અંગે ગુજરાતે કરેલી પરિણામલક્ષી કામગીરી અને તેના આયોજન અંગેની જાણકારી બદલ હું ગુજરાતની ટીમનો ખુબ આભારી છું. તેમણે કહ્યું હતું કે, આ મહામારીમાં ગુજરાત સરકારે લીધેલા પગલાંઓ તેમજ પ્રિવેન્ટિવ એક્શન સહિતની કામગીરી ખુબ જ સરાહનીય છે જેનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. જેથી તેના દરેક તબક્કાનો અન્ય લોકો અભ્યાસ કરી શકે. સાથે જ તેઓએ એક વર્ચ્યુઅલ વેબિનાર યોજવાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો જ્યાં લોકો ચર્ચા-વિમર્શ કરી એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે.
 
ડૉ.જયંતી રવિ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં માર્ચ મહિનાથી રોગચાળાની પરિસ્થિતિ, આરોગ્ય પ્રણાલી સામેના પડકારો અને ગુજરાતની ટીમે આ પડકારો સામે આપેલી લડત અંગેની વિગતો આપી હતી. એટલું જ નહીં રાજ્યના રાજકીય નેતૃત્વની ભૂમિકા પર પણ ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સબળ નેતૃત્વ, સંકલન અને તમામ પ્રકારના સંશાધનો તથા ટેકનોલોજીકલ સપોર્ટ દ્વારા સંક્રમણ નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી. ગુજરાત સરકારના અધિકારીઓ અને WHO કન્ટ્રી ઓફીસ ટીમ સાથે આજે થયેલી આ વિડીયો કોન્ફરન્સમાં WHOના ભારતના પ્રતિનિધિ મનોજ જાલાની અને ડૉ. નિલેશ બુદ્ધ પણ જોડાયા હતા.
 
ડૉ. જયંતી રવિએ કહ્યું કે, ગુજરાતે અનેક આફતોમાં દેશને રાહ ચીંધ્યો છે તે જ રીતે રાજ્યનું સમગ્ર વહીવટતંત્ર ખાનગી તબીબો, પેરામેડીકલ સ્ટાફે પણ જે ખંતથી કામ કર્યુ છે એના પરિણામે રાજ્યમાં સંક્રમણનું પ્રમાણ કંટ્રોલ કરવામાં સફળતા મળી છે. કેન્દ્ર સરકારના ICMRની ગાઇડ લાઇન અને પ્રોટોકોલ પહેલાં જ ગુજરાતે એ જ પ્રોટોકોલ અનુસાર સારવારની શરૂઆત કરીને પ્રીવેન્સન, સર્વેલન્સ અને ટ્રીટમેન્ટ તથા ટેસ્ટીંગ ક્ષેત્રે અનેક નવી નવી બેસ્ટ પ્રેક્ટીસ હાથ ધરી જેના પરિણામે આ શક્ય બન્યુ છે. 
 
તેમણે ઉમેર્યુ કે, ફેબ્રુઆરી માસના અંતથી- કોરોનાના પ્રથમ કેસથી માંડીને આજ સુધી દરરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બનેલી કોર કમિટિની બેઠકો યોજાય છે. જેમાં સમગ્ર રાજ્યનો તાગ મેળવીને ત્વરીત નિર્ણયો લેવાય છે. એ જ રીતે ખાનગી તબીબો, તજજ્ઞોનું પણ માર્ગદર્શન મળી રહે એ માટે રાજ્ય કક્ષાના ટાસ્ક ફોર્સની રચના કરીને તેમની સાથે પણ વારંવાર સંવાદ કરીને સંક્રમણને રોકવા માટેના અનેક પગલાં લીધાં છે જેના લીધે રાજ્યમાં આજે રીકવરી રેટ વધી રહ્યો છે. 
 
તેમણે ઉમેર્યુ કે અમદાવાદમાં જે રીતે સંક્રમણનો ફેલાવો થયો તે સમયે રાજ્ય સરકારની ૧૦૪ હેલ્પલાઇન, ૧૧૧૧ હેલ્પ લાઇન, ટેલી મેન્ટરીંગ તથા ધન્વંતરી રથનો પ્રયોગ ખૂબ જ અસરકારક નીવડ્યો. એ જ અમદાવાદ મોડલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં અમલી બનાવાયું અને સંક્રમણ રોકાયું. ધન્વંતરી રથનો પ્રયોગ ખૂબ જ અસરકાર નીવડ્યો. આ તમામ આપણી બેસ્ટ પ્રેક્ટીસીસને W.H.O. એ બીરદાવીને ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે. 
 
ડૉ.રવિએ કહ્યુ કે, ગુજરાતે આ વૈશ્વિક મહામારીની લડત સામે લીધેલા પ્રીવેન્ટીવ એક્શન જ સાચા અર્થમાં ગેમ ચેન્જર પુરવાર થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે માટે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત તમામ જિલ્લાઓમાં સ્પેશ્યલ કોવિડ-ડેઝીગ્નેટેડ હોસ્પિટલો કાર્યરત કરીને નાગરિકોને સારવાર પુરી પાડી છે. એ જ રીતે નાગરિકોનો પણ એટલો જ વ્યાપક જન-સહયોગ મળ્યો છે. ગુજરાતે હોમ આઇસોલેશનનો નવતર અભિગમ અપનાવ્યો અને પોઝિટીવ દર્દીઓને પણ ઘરે જ રાખી ICMR પ્રોટોકોલ મુજબ સારવાર-માર્ગદર્શન અપાયું એની પણ પ્રશંસા WHO એ કરી છે.
 
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે હેલ્થ સિસ્ટમને વધુ મજબૂત બનાવીને નાગરિકોને ત્વરીત સારવાર પુરી પાડી છે. સાથે સાથે જરૂરી દવાઓ, સાધનો વેન્ટીલેટરની જરૂરિયાત મુજબ ખરીદી માટે પણ અલાયદી સમિતિની રચના કરી છે. જેના કારણે રાજ્યમાં દવાઓ સહિત સાધનોનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર