જૈન સમાજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી, 'સમ્મેત શિખરજી અને શેત્રુંજયને તીર્થસ્થાન જાહેર કરોનો નાદ

મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (14:07 IST)
સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત થતાની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. જેને લઈને આજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિકતત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળોને તીર્થસ્થાન તરીકે જાહેર કરે.ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો તેને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં પરંતુ તીર્થસ્થાન છે અને તેને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ તેવી લાગણી જૈનોની છે. સુરતમાં આજે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જૈન સમાજના અગ્રણી નરેન્દ્ર જઈને જણાવ્યું કે અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે. શેત્રુંજય શિખર પાલીતાણા જેવા તીર્થસ્થાન ઉપર અસામાજિક તત્વો એક પ્રકારે આક્રમણ કરી રહ્યા છે. ઝારખંડ સરકાર સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરીને યોગ્ય નિર્ણય કર્યો નથી. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળોને તીર્થ સ્થાન તરીકે જાહેર કરે.જૈન સમાજના અગ્રણી મિત્તલ ગોરડીયાએ કહ્યું કે આજે હજારોની સંખ્યામાં આ રેલીમાં લોકો જોડાયા છે. સુરતના જ નહીં પરંતુ અન્ય રાજ્યના અને શહેરોના લોકો પણ અમારી સાથે સમર્થનમાં આ રેલીમાં જોડાઈ ગયા છે. અમારી માગણી છે કે સરકારે તાત્કાલિક અસરથી આ બંને શિખરજીને તીર્થસ્થાન જાહેર કરે અને પાલીતાણા સહિતના તીર્થસ્થાનો ઉપર માંસ અને મદીરાનું વેચાણ પણ બંધ કરવામાં આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર