2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રીની જાહેરાત

બુધવાર, 25 ઑગસ્ટ 2021 (13:18 IST)
આજે મળેલી કેબિનેટની બેઠક પછી ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરૂવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
 
 
કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે. બીજી તરફ અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ શું ઈચ્છે છે તે માટે વાલીઓનો સંપર્ક કર્યો હતો. જેમાં 58 ટકા જેટલા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી હતી. બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગોના 1,850 વાલીઓનો સંપર્ક કર્યો હતો. જે પૈકી 1,323 વાલીઓએ પ્રતિભાવ આપ્યા હતા. આ પૈકી 58 ટકા એટલે કે 778 વાલીઓએ સરકારની મંજૂરી મળ્યા પછી પોતાના સંતાનોને શાળાએ મોકલવા અંગે તત્પરતા દર્શાવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર