રાજ્યમાં ૧૦૭૭ વ્યાજખોરો સામે ગુના દાખલ, ૬૯૯ ધરપકડ અને ૬૪૩ વ્યાજખોરો સામે એફ.આઇ.આર દાખલ

ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (11:48 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય મંત્રીમંડળની આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને થયેલી ચર્ચા અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કનડગત સાંખી લેશે નહીં. તેના માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. 
 
અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરતા વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકાર મેગા ડ્રાઈવ ચલાવી રહી છે. તા. 5મી જાન્યુઆરીથી ચાલી રહેલી મેગા ડ્રાઇવના બે અઠવાડિયામાં એટલે કે તા.૧૭ જાન્યુઆરી સુધીમાં 1077 વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, 699ની ધરપકડ કરવામાં આવી છે અને 643 વ્યાજખોરો સામે એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
 
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વ્યાજખોરોનો ભોગ બનેલા નાગરિકો ફરિયાદ કરી શકે અને પોલીસનું રક્ષણ મેળવી શકે તે માટે તા. 17મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1369 લોકદરબાર યોજાયા છે. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર