ગુજરાતમાં ઓમિક્રોનના વધતા જતા કેસથી સરકાર એક્શનમાં, હાઈ લેવલ મીટિંગમાં મુખ્યમંત્રીએ આપ્યા તાત્કાલિક આદેશ

ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (12:57 IST)
ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં ઓમિક્રોનના 9 કેસ આવી જતા સરકાર જાગી ગઈ છે. વધતા ઓમિક્રોન સંકટને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋતિકેશ પટેલ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા, જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનને લઈને મહત્નની ચર્ચાઓ કરવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોનની પ્રવર્તમાં સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે. ત્યારે દૈનિક સ્ટેસ્ટિંગની માત્રા વધારીને રોજ 70 હજાર ટેસ્ટિંગ કરવામાં આવે   તેવા મુખ્યમંત્રી દ્વારા નિર્દેશ પણ કરવામં આવ્યા છે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરાય તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.  જેમાં પણ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ અંગે બીજા રાજ્યોની જેમ કડક  અમલ કરવાને બદલે માત્ર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે જ ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, બીજી બાજુ ઓમિક્રોનના કેસ પણ તેવી જ રીતે ઝડપથી વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં 23 કેસ આવી ચૂક્યા છે. 
 
ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસ
 
બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ કેસ જ્યારે મહેસાણા અને આણંદમાં 2-2 કેસ મળ્યા. જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. આમ કુલ 23 જેટલો ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.
 
ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના 236 કેસ નોંધાયા છે, જેમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 'ઓમિક્રોન' વેરિયન્ટના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર