વિધાનસભામાં કોંગ્રેસે સવાલ કર્યો હાર્ટ એટેક વધવાનું કારણ વેક્સિન છે?, સરકારે કહ્યું ખોટી વાત છે

સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (16:15 IST)
- ગૃહમાં હાર્ટ એટેક અને વેક્સિનના કનેક્શનને લઈને ચર્ચા થઈ
- ઈમરાન ખેડાવાલએ પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં હાર્ટ અટેકના વધી રહેલા કિસ્સામાં વેક્સિન કે દવાની અસર છે?
- મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું  હતું કે,કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે
 

ગુજરાતમાં બાળકો અને યુવાનોમાં હાર્ટએટેકના કારણે થતા મૃત્યુનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો હતો. ગૃહમાં હાર્ટ એટેક અને વેક્સિનના કનેક્શનને લઈને ચર્ચા થઈ હતી. રાજ્યમાં વધી રહેલા હાર્ટ અટેકના કેસ મામલે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. કોંગ્રેસના ધાાસભ્ય ઈમરાન ખેડાવાલએ પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં હાર્ટ અટેકના વધી રહેલા કિસ્સામાં વેક્સિન કે દવાની અસર છે? આ સવાલનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું  હતું કે,કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે અને વેક્સિનના કારણે હાર્ટ અટેકના કેસ થતા નથી. 
 
રાજ્યમાં હાલ કોરોનાના 68 એક્ટિવ કેસ છે
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સવાલ કર્યો હતો કે, રાજ્યમાં કોરોનાના કેટલા કેસ સામે આવ્યા છે. યુવાનોમાં હ્રદય રોગના હુમલા વધી રહ્યા છે તેનું કારણ શું. રાજ્યમાં હ્રદય રોગના કિસ્સામાં વેક્સિન કે દવાની અસર છે?ત્યારે આ સવાલનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋશિકેષ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ કોરોનાના 68 એક્ટિવ કેસ છે. રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હૃદયના હુમલા થતા નથી. કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફાઈબ્રોસિસ થાય છે અને ફેફસાં પર અસર થાય છે.
 
બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી
બીજી તરફ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રશ્નમાં આરોગ્ય મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો કે, અમદાવાદ જિલ્લાના 297 બાળકોમાં હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો નોંધાયા છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લાના 3 લાખ 6 હજાર 97 બાળકોની આરોગ્ય તપાસમાં આ માહિતી મળી છે. 174 બાળકોને હૃદય, 75 બાળકોને કિડની અને 48 બાળકોને કેન્સરની સારવાર અપાઈ છે. અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમની વિગતોમાં આ જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ-૩,૬૧,૦૯૭ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં હ્રદય-૧૭૪, કિડની-૭૫ અને કેન્સર-૪૮ જેવા બાળકોના ગંભીર રોગો સામે આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર