સુરતમાં દિવ્યાંગ રિક્ષાચાલકની દીકરી પઠાણ તબસ્સુમ ઇલ્યાસ ખાન ધોરણ-10ની પરીક્ષામાં 94.50 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતાની ઈચ્છા છે કે દીકરી આગળ વધીને ડોક્ટર બને. જ્યારે દીકરીએ જણાવ્યું હતું કે પિતાની હાડમારી ભરેલી જીવનમાં પણ ત્રણ દીકરીઓને ભણાવી હોવાથી હવે પિતાના સપના સાકાર કરવા છે. જેથી ભણીને ડોક્ટર બનવાની ઈચ્છા છે.વિદ્યાર્થિની પઠાણ તબસ્સુમ ઇલ્યાસ ખાને જણાવ્યું હતું કે તે રોજેરોજ સખત મહેનત કરતી હતી. રોજના 18 કલાક સ્કૂલ સહિતનો વાંચન અને લેખન પાછળ આપતી હતી. પેપર લખવાની શિક્ષકોના માર્ગદર્શન નીચે તૈયારી કરી હતી. જેના કારણે તેને આ ફાયદો થયો છે.તબસ્સુમે જણાવ્યું હતું કે હું પહેલાથી જ ખૂબ જ મક્કમ હતી. મારે હવે આગળ મેડિકલ ફીલ્ડની અંદર આગળ વધવું છે. આગળ 12 સાયન્સમાં બી ગ્રુપમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગુ છું. મારા માતા-પિતાનું સપનું છે કે હું આગળ વધીને ડોક્ટર બનું. મારી મોટી બહેન પણ નર્સિંગનો કોર્સ કરી રહી છે. એના થકી જ મને મેડિકલ ફીલ્ડમાં જવાની ઈચ્છા થઈ છે. એ મને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપે છે. મારા પિતાને શારીરિક રીતે તકલીફ હોવા છતાં તેઓ પોતે રિક્ષા ચલાવે છે.
આર્થિક સ્થિતિ એટલી સારી નથી છતાં પણ હું હિંમત હાર્યા વગર આગળ વધી રહી છું.પિતા ઇલ્યાસ ખાને જણાવ્યું હતું કે, હું પોતે દિવ્યાંગ હોવા છતાં ક્યારેય પણ હિંમત નથી હાર્યા અને દીકરીઓને ભણવા માટે સખત મહેનત કરતા હતા. મને આનંદ એ વાતનો છે કે મારી આ સ્થિતિમાં પણ મારી દીકરી ખૂબ જ આગળ વધી રહી છે. હું તો દેશની તમામ દીકરીઓને કહેવા માગું છું કે આર્થિક સ્થિતિ નબળી હોય છતાં પણ મન મક્કમ રાખીને જે રીતે શિક્ષકો અને વાલીઓ તમારામાં ભરોસો રાખે છે એ ભરોસા ઉપર ખરા ઉતરો અને દેશ માટે આગળ જઈને કામ કરો. દેશની દરેક દીકરી આ રીતે આગળ વધવું જોઈએ અને દેશનું નામ રોશન કરવું જોઈએ.