સુરતમાં માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસે ઘસડી-ઘસડીને માર્યા; 7 વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (09:35 IST)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવાયો હતો.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં માત્ર ને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.4 વિદ્યાર્થીઓને પોલીસ ઘસડીને ઉમરા પોલીસ લઈ આવતાં વિદ્યાર્થીઓનાં ટોળાંએ પોલીસ સ્ટેશન સામેના રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર