રાજકોટમાં ચોકીદારની બે બાળકીઓ સ્વિમિંગ પૂલમાં ખાબકી, ડૂબી જતાં બંનેના મોત

સોમવાર, 17 જૂન 2024 (14:09 IST)
rajkot news
 રાજકોટમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે બાળકી રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી.સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાળકીઓના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે યુનિવર્સીટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રે સ્વિમિંગ પૂલમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાના બનાવની જાણ થતા સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતાં અને બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી.બનાવ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી અને પોલીસે આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.બન્ને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતની છે અને અહીંયા શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે.
 
કવર્ડ કરેલ સ્વિમિંગ પુલમાં બાળકીઓ પહોંચી ગઈ હતી
સોસાયટીના રહેવાસીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવાર હોવાથી બધા જ લોકો સોસાયટીના ક્લબ હાઉસમાં થિયેટરમાં પિક્ચર જોવા ગયા હતા. આ પછી એકાદ કલાક બાદ સોસાયટીના અન્ય કોઈ સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતા એક બાળકીને પાણીમાં જોઈ હતી અને થોડીવારમાં અન્ય એક બાળકી પણ જોવા મળી હતી. તુરંત 108ને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ બન્ને બાળકી મૃત હાલતમાં જ હોવાનું જાણવા મળ્યું હતું. સ્વિમિંગ પૂલ કવર્ડ કરેલ છે આમ છતાં બન્ને બાળકી અંદર પહોંચી ગઈ હતી અને બન્નેના પગ લપસી જતા અંદર પડી જવાથી ડૂબી જતા મોત નીપજ્યાનું લાગી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર