કોરોનાકાળમાં વેકેશન બાદ સ્કૂલો શરૂ કરતા કઈ બાબતોની કાળજી રાખવી? શાળા સંચાલક મંડળે આગોતરા આયોજન અંગે સ્કૂલોને પત્ર લખ્યો
શુક્રવાર, 21 મે 2021 (13:14 IST)
રાજ્યભરમાં કોરોનાને કારણે સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ સ્કૂલની અંદરની કામગીરી ચાલુ છે જેમાં સ્ટાફ અને શિક્ષકો હાજર રહે છે. ત્યારે અત્યારે સ્કૂલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 7 જૂનથી સ્કૂલો શરૂ થવાની છે ત્યારે કોરોના કાળમાં કઈ રીતે સ્કૂલો શરૂ કરવી તે અંગે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા પત્ર લખીને તમામ ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં જાણ કરી છે.
7 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તેમાં 7 જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષ અંગે આગોતરું આયોજન કરવા જાણ કરવામાં આવી છે. કોરોનાની મહામારીમાં અનેક શિક્ષક, સંચાલક, સ્ટાફના કર્મચારીઓ સહિત શિક્ષણ જગત સાથે સંકળાયેલ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.અત્યારે બીજી લહેર ચાલી રહી છે અને 7 જૂનથી ફરીથી સ્કૂલો શરૂ થશે ત્યારે સ્કૂલો શરૂ કરાતા જ કેવું આયોજન કરવું તે અંગે તમામ સ્કૂલોની જાણ કરવામાં આવી છે.
સ્કૂલ અને સંચાલકોએ કરવાની કામગીરી:
- જૂનના પ્રથમ સપ્તાહમાં સ્કૂલની સાફ સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી
- ગત વર્ષના પરિણામ આપવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવું
- અગાઉ જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેમની યાદી બનાવી વાલીઓ સાથે રૂબરૂ વાતચીત કરીને નિકાલ લાવવો
- વાલીઓની આર્થિક પરિસ્થિતિ ધ્યાને રાખીને ફી અંગે નિર્ણય કરવા
- 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓનું રજીસ્ટર તૈયાર કરવું
- ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અપાતા પાઠ્યપુસ્તકો મેળવી લેવા જેથી વિદ્યાર્થીઓને આપી શકાય
- ધોરણ 10ના 100 ટકા વિદ્યાર્થીઓ 11માં ગયા છે જેથી ધોરણ 11 માટે કેટલા વર્ગો છે અને નવા કેટલા વધારવા પડશે તે અંગે ફાઈલ તૈયાર કરવી
શિક્ષણ વિભાગે કરવાની કામગીરી:
- ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યોની જગ્યા ખાલી છે તે માટે પરીક્ષા જાહેર કરીને જગ્યા ભરવી
- વર્ગ વધારા માટે શિક્ષકો પણ વધારવા પડશે શિક્ષકોની પસંદગીની કામગીરી
- ગ્રંથપાલ, ઉદ્યોગ શિક્ષક અને કોમ્પ્યુટર શિક્ષકની 2007 પછી ભરતી થઈ નથી તે ભરતી કરવા હુકમો
- રાજ્ય સરકારને શિક્ષક આપવા વિલંબ થાય તો પ્રવાસી શિક્ષકોને મંજૂરી