Positive Story - હારશે કોરોના, જીતશે ગુજરાત: 96 ટકા સંક્રમિત ફેફસા છતા ગોધરાના 52 વર્ષીય મહિલાએ કોરોનાને હરાવ્યો

શુક્રવાર, 21 મે 2021 (09:21 IST)
ફેફસામાં કોરોના સંક્રમણથી કેટલા હદે પ્રભાવિત થયા છે તે જાણવા કરાતા એચઆરસીટી ટેસ્ટમાં સ્કોર સહેજ વધુ આવે તે સાથે લોકો ગભરાઈ જાય છે. જો કે આ સ્કોર વધુ હોવા છતાં સમય પર યોગ્ય તબીબી સારવાર મળવાથી રિકવરી શક્ય છે અને સંખ્યાબંધ દર્દીઓ તે રીતે સાજા થઈ રહ્યા છે. 
 
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ સરકારી સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન નર્સિંગ સ્કૂલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલ્સમાં પણ આવા દર્દીઓ ડોક્ટર્સની સારવાર, સહાયક સ્ટાફ અને પરિવારજનોની હૂંફથી સાજા થઈ ઘરે જઈ રહ્યા છે. આવા જ એક પેશન્ટ રક્ષાબેન સુથાર 18 દિવસની સઘન સારવાર બાદ સાજા થઈ આજે સ્વગૃહે પરત ફર્યા. 
 
ફિઝિશિયન ડો. ઈશાન મોદીએ જણાવ્યું કે ગોધરાના 52 વર્ષીય રક્ષાબેન 1 મે, 2021ના રોજ એડમિટ થયા ત્યારે તેમનો એચઆરસીટી સ્કોર 24 હતો. એસપીઓટુ 70 અને ક્યારેક 50 સુધી ડ્રોપ થતું હતું, સીઆરપી 140, ડીડાઈમર 5000 અને ફેરેટીન 2,000 સુધી પહોંચ્યું હતું. એડમિટ કરતા સાથે તેમને પ્રતિ મિનિટ 15 લિટર ઓક્સિજન એનઆરબીએમ પર આપવાનો શરૂ કર્યો હતો. 
 
દર્દીની સ્થિતિ ક્રિટીકલ હતી પરંતુ તેમને માનસિક ધરપત આપી રેમડિસીવર, સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટીક, સ્ટેરોઈડ સહિતની દવાઓ- સાથે સારવાર શરૂ કરવામાં આવી હતી. અઠવાડિયા સુધી તેમની સ્થિતિ સ્થિર રહ્યા બાદ સુધાર થવાની શરૂઆત થઈ હતી અને હવે ઓક્સિજન સપોર્ટ વગર એસપીઓટુનું લેવલ 94 સુધી જળવાઈ રહ્યું છે. 
 
આજે બ્લડ સહિતના રિપોર્ટ નોર્મલ આવતા તેમને રજા આપવામાં આવી છે. એમજીવીસીએલમાં કાર્યરત રક્ષાબેનના પતિ દિપકભાઈ સુથાર જણાવે છે કે રક્ષાબેનને શરૂઆતમાં ખાંસી અને નબળાઈના લક્ષણો હતો. સ્થાનિક ડોક્ટરના કહેવાથી સીટી સ્કેન કરાવ્યો અને જ્યારે ડોક્ટર્સે એચઆરસીટી સ્કોર જણાવ્યો કે  96 ટકા ફેફસા સંક્રમિત છે ત્યારે અમે શરૂઆતમાં ગભરાઈ ગયા હતા. ડોક્ટરની સલાહથી સિવિલમાં દાખલ થવા માટે લઈ ગયા ત્યારે  અમુક સ્વજનોએ સિવિલમાં સારવાર માટે શંકા પણ દર્શાવી હતી પરંતુ શરૂઆતથી નર્સિંગ સ્કૂલના ડોક્ટર્સ-નર્સ સહિતના સ્ટાફે અમને ખૂબ હિંમત આપી હતી, ધીરજ બંધાવી હતી. દાખલ કર્યા બાદ અમને સારવાર માટે કોઈ પણ ખર્ચ થયો નથી. બે ટાઈમ જમવાનું, સવારનો નાસ્તો પૌષ્ટિક હોય છે, સમયસર મળી જાય છે. 
 
સ્ટાફ સ્વજનોની જેમ દરકાર કરે છે. મને આનંદ છે કે અમે સારવાર માટે નર્સિંગ સ્કૂલની પસંદગી કરી. ડિસ્ચાર્જ થતા રક્ષાબેને જણાવ્યું હતું કે ડોક્ટર્સે શરૂઆતથી જણાવ્યું હતું કે હિંમત જાળવી રાખશો-પોઝિટીવ રહેશો તો ઝડપથી કોરોનાને માત આપશો. તેથી સારવારની ચિંતા ડોક્ટર્સ પર છોડીને મારૂ સમગ્ર ધ્યાન પોઝિટીવ રહેવા પર રાખ્યું. રેગ્યુલર દવાઓ ઉપરાંત ફિઝીયોથેરાપીસ્ટ અમને પ્રોનિંગ તેમજ બીજી એક્સરસાઈઝ કરાવતા. ફેફસા માટે સ્પાયરોમીટરથી એક્સરસાઈઝ કરાવતા, જેનો મને ખૂબ ફાયદો જણાયો છે. 
 
હવે હું સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહી છું અને હવે મારે 15 દિવસ એસ્પિરીન અને મલ્ટીવિટામીન ટેબ્લેટ્સ લેવાની છે. ખાનગી હોસ્પિટલમાં જો મેં સારવાર લીધી હોતો તો સહેજે 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હોત. રક્ષાબેને હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને ડોક્ટર્સનો આભાર માનતા એક સંદેશમાં જણાવ્યું હતું કે આ કોરોના વોરિયર્સ આટલા જોખમ વચ્ચે આટલું કામ કરે છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે પણ માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ અને ભીડ ન કરીએ. સંક્રમિત થનારા લોકોને હિંમત જાળવી રાખવી નાસીપાસ ન થવાની અને સારવાર પર વિશ્વવાસ રાખવાની સલાહ રક્ષાબેને આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર